PUCની ઓનલાઈન કામગીરી ની મુદત વધારાઈ
ગાંધીનગર:
ગાંધીનગર આરટીઓની તમામ કામગીરી ઓનલાઈન કરાયા બાદ આજથી પીયુસી સેન્ટરની કામગીરી પણ ઓનલાઈન કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાહનની લાંબી કતારોને ઓનલાઈન પ્રોસેસથી ઝડપી પૂર્ણ કરવા શક્ય ન લાગતા મોટાભાગના સેન્ટર્સ મંગળવારે બંધ રહ્યાં હતા.
ઓનલાઈન કામગીરી અને જૂની મશીનરીને પગલે મુંઝવણમાં મુકાયેલા મોટાભાગના સેન્ટર્સ બંધ રહેતાં સવારે પીયુસી માટે પહોંચેલા અનેક વાહન ચાલકોને પાછા ફરવું પડ્યું હતું. તો અનેક વાહન ચાલકો સેન્ટર હમણાં ખુલશે તેની રાહ જોઈને કલાકો સુધી ઉભા રહ્યાં હતા. વિવિધ સેન્ટર્સ દ્વારા આરટીઓ રજૂઆત કરાતા તેઓને શનિવાર સુધી છૂટ આપતા સેન્ટર્સમાં ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આરટીઓમાં અરજદારોનો ધસારો વધ્યો છે. મંગળવારે સવારે કચેરીમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. થોડા સમયે વીજ પુરવઠો શરૂ થતા જ સર્વરના ધાંધિયા શરૂ થયા હતા. જેને પગલે RTOમાં લાયસન્સ સહિતની કામગીરીમાં વિલંબ થતા અરજદારોને કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું.