કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા ગામોમાં તળાવોના આંતર જોડાણની કામગીરીની સમીક્ષા કરી
ગાંધીનગર તા.૦૫ ડિસેમ્બર –
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતાં તળાવોનાં આંતર જોડાણની કામગીરી સમીક્ષા બેઠક ,કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, મહેસૂલના મુખ્ય અધિક સચિવ શ્રી ડૉક્ટર જયંતી રવિ અને સિંચાઈ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, નર્મદા નિગમ, ઔડા, ગુડા, જીએમસી-એએમસીના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ- ગાંધીનગરના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ ૧૬૨ જેટલાં ગામોમાં ૧૩૪૯ જેટલાં તળાવો આવેલાં છે. આ તળાવોનું આંતરિક જોડાણ કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની સૂચના અન્વયે, ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે, સિંચાઈ વિભાગ, AUDA, GUDA, GMC અને નર્મદા નિગમ દ્વારા તળાવોના આંતરિક જોડાણ માટે કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના મત વિસ્તારમાં હાલ નર્મદા આધારિત પાઈપલાઈન અને કેનાલ દ્વારા કુલ ૧૬૭ જેટલાં તળાવોનું જોડાણ કરવામાં આવેલું છે. વર્ષ ૨૦૨૬ના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં અમદાવાદ જિલ્લામાં ૫૦ તળાવો તથા ગાંધીનગર જિલ્લામાં ૬૯ તળાવોનું જોડાણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદ જિલ્લાના ૧૦ તળાવો તેમજ ગંધીનગર જિલ્લાના ૧૬ તળાવોના આંતરિક જોડાણની કામગીરી પ્રગતિ હેઠળ છે.
બીજા તબક્કામાં કુદરતી રીતે વરસાદી પાણીથી ભરાતાં તળાવો માટે વધારાનાં પાણીના નિકાલ તથા તળાવોના આંતર જોડાણ માટે વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ મોટા ભાગના તળાવોના આંતરિક જોડાણની કામગીરી કરવાનું આયોજન છે. આ તળાવોના આંતરિક જોડાણ થવાથી ચોમાસા દરમિયાન ખાલી રહેતાં તળાવોને તેની નજીકમાં આવેલા વરસાદી પાણી કે પાઈપલાઈનથી જોડાણ કરાતા, ગામમાં પાણીના ભરાવાની સમસ્યાનો નિકાલ થશે તેમજ જમીનમાં પાણીનાં સ્તર ઊંચાં આવશે તથા ગામોમાં ખેતી તેમજ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.

