રાજ્યપાલ દેવવ્રતની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં મુસાફરી
ગ્રામ કલ્યાણ કાર્યક્રમ માટે રાજ્યપાલશ્રી એસ.ટી.બસમાં બેસીને ગાંધીનગરથી સોલૈયા પહોંચ્યા *** માણસા તાલુકાના સોલૈયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં પહોંચવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસ દ્વારા ગાંધીનગરથી સોલૈયા સુધી મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રીએ એસ.ટી. બસની સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન તેમજ મુસાફરોને મળતી સેવાઓ અંગે માહિતી મેળવી અને મુસાફરો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, એસ.ટી. સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જાહેર પરિવહનનું સરળ માધ્યમ છે અને તે ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. રાજ્યપાલશ્રીની આ મુસાફરી તેમના સાદગીપૂર્ણ જીવનમૂલ્યો, જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યેની આત્મીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

