રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું
ગાંધીનગર,
રાહ-વીર (Good Samaritan) યોજના અંગે યુવાનોમાં જાગૃતિ વધારવાના હેતુસર એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા તા. 8 જાન્યુઆરી, 2026ના રોજ બી.કોમ બેન્કિંગ એન્ડ ફિનાન્સ (ઓનર્સ) તથા બી.કોમ નાણાકીય સેવાઓના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે વિવિધ માર્ગચિહ્નો, તેમના અર્થ અને વ્યવહારુ ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ‘રાહ-વીર’ ગુડ સમેરિટન યોજનાનો પરિચય કરાવતા મહેમાનોએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત સમયે પીડિતને સમયસર મદદ કરનાર નાગરિકોને કાયદાકીય સુરક્ષા તથા સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી લોકો નિર્ભયપણે એને માનવતા આધારિત સહાય માટે આગળ આવી શકે. વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે રસ અને સંવેદનશીલતા વધે તે હેતુથી સત્રને ઇન્ટરએક્ટિવ બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની જિજ્ઞાસાઓ વ્યક્ત કરી હતી. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતીના સંદેશ સાથેના પતંગો આપી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સુરક્ષિત ઉજવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા સાથે ‘રાહ-વીર’ જેવી માનવતાવાદી યોજનાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો, જેના પરિણામે ભવિષ્યમાં વધુ જવાબદાર વાહનચાલકો અને સંવેદનશીલ નાગરિકો તૈયાર થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર તથા નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી સતીષ પટેલ, શ્રી ચિરાગ આઈ. પટેલ (આઈ.પી.એસ.) તેમજ આરટીઓના અધિકારી શ્રી નીરવ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ, માર્ગ સલામતીના મૂળભૂત સિદ્ધાંતો તેમજ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

