તા.૨૧થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
ભારતનું ચૂંટણી પંચ (ECI) સૌપ્રથમ વખત ભારતની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IICDEM) 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) દ્વારા તા. 21 જાન્યુઆરીથી શરૂ થનારી 3-દિવસીય પરિષદ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઉદ્ઘાટન સત્રમાં પ્રતિનિધિઓનું સ્વાગત કરશે.
IICDEM 2026 એ લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારત દ્વારા આયોજિત આ પ્રકારની સૌથી મોટી વૈશ્વિક પરિષદ બનવા માટે તૈયાર છે. વિશ્વભરના 70 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 100 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ, ભારતમાં વિદેશી મિશનોના પ્રતિનિધિઓ અને ચૂંટણી ક્ષેત્રના નિષ્ણાતો તેમાં ભાગ લેશે.
ત્રણ દિવસના કાર્યક્રમમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (EMBs) ના વિવિધ સત્રોનો સમાવેશ થાય છે. સાથોસાથ ઉદ્ઘાટન સત્ર, EMB આગેવાનોની બેઠકો, ઉપરાંત વૈશ્વિક ચૂંટણીલક્ષી મુદ્દાઓ, આદર્શ આંતરરાષ્ટ્રીય ચૂંટણી ધોરણો અને ચૂંટણી પ્રક્રિયાઓમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષયોના સત્રો યોજાશે. IICDEM-2026ના પહેલા દિવસે, વિશ્વની સૌથી મોટી ચૂંટણી, લોકસભા 2024 ની ચૂંટણીઓ પર પ્રકાશ પાડતી દસ્તાવેજી ફિલ્મ “ઇન્ડિયા ડિસાઈડ્સ” પણ પ્રદર્શિત કરવામાં આવશે.
તદુપરાંત રાષ્ટ્રવ્યાપી ભાગીદારીને સુનિશ્ચિત કરવા દેશના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક નિષ્ણાતોના સહયોગથી કુલ 36 જૂથો તેમના સોંપાયેલા વિષયો પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરશે. આ ચર્ચાઓમાં 4 IITs, 6 IIMs, 12 રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ (NLUs) અને IIMC સહિત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ભાગ લેશે. આ કોન્ફરન્સ દરમિયાન વિશ્વભરના EMBs સામેના વિવિધ પડકારો પર ચર્ચા અને સહયોગ માટે EMBs સાથે 40થી વધુ દ્વિપક્ષીય બેઠકો પણ યોજવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન જ ચૂંટણીપંચ ઔપચારિક રીતે ECINET પણ લોન્ચ કરશે, જે ચૂંટણી સંબંધિત તમામ માહિતી અને સેવાઓ માટે ECIનું વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ છે. વધુમાં ભારતમાં ચૂંટણી આયોજનની વ્યાપકતા અને જટિલતા, ચૂંટણીના બે સ્તંભો મતદાર યાદીની તૈયારી અને ચૂંટણીનું સંચાલનને મજબૂત બનાવવા માટે ECI દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી પહેલોને દર્શાવતા પ્રદર્શનો પણ કાર્યક્રમોની સાથે-સાથે યોજાશે.
IICDEM-2026માં ટીમ ગુજરાત “Transparency of Elections – Political Parties as Concurrent Auditors” વિષય પર ચર્ચા સત્રનું સુકાન સંભાળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતને “Transparency of Elections – Political Parties as Concurrent Auditors” વિષય ફાળવવામાં આવ્યો છે. આ માટે ગુજરાત રાજ્યની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી આઇ.આઇ.ટી. ગાંધીનગર પાસેથી તજજ્ઞોની સેવાઓ મેળવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય તરફથી મુખ્ય નિર્વાચન અધિકારી, અન્ય અધિકારીઓ અને ગુજરાતના તજજ્ઞો પણ ભાગ લેશે જેમાં
• ડૉ. અવિનાશ ભાગી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના કાયદાના એસોસિયેટ પ્રોફેસર
• પ્રો. દીપક સિંઘાનિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, આઈઆઈટી ગાંધીનગર
• શ્રી પાર્થ કાપડિયા, વિઝિટિંગ ફેકલ્ટી, પોલિટિકલ સાયન્સ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામેલ છે.

