વૈશ્વિક સુવિધાઓ સાથેના માણસા સ્પોર્ટ્સ સંકુલનો લાભ દરેક નાગરિક અને વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સ્પોર્ટ્સ સંકુલનુ તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. વૈશ્વિક સુવિધાઓ સાથેના સ્પોર્ટ્સ સંકુલનો લાભ દરેક નાગરિક અને વિદ્યાર્થી સુધી પહોંચે તથા આ સ્પોર્ટસ સંકુલના દીકરા કે દીકરી આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ કે ઓલમ્પિકમાં ભાગ લઈ ભારત માટે ચંદ્રક મેળવે તેવી સંકલ્પના કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબે કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની આજ સંકલ્પનાને ચરીતાર્થ કરવાના પ્રથમ પગલાં રૂપે જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે.દવે ના માર્ગદર્શન હેઠળ તા.૧૯ જાન્યુઆરીના રોજ કલેકટર કચેરી ગાંધીનગર ખાતે, પ્રાંત અધિકારી શ્રી કલોલ મયંક પટેલ, ચીફ ઓફિસર શ્રી માણસા સતીશ પટેલ, જિલ્લાના રમતગમત અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પિયુષભાઈ પટેલની હાજરીમાં માણસા તાલુકાની સમગ્ર શાળાઓના આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ખૂબ જ ફળદાય મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક અંતર્ગત કલેક્ટરશ્રી દ્વારા સમગ્ર શાળાના બાળકો ઉત્સાહભેર,સ્પષ્ટ લક્ષ્ય સાથે સ્પોર્ટ સંકુલની વિવિધ સુવિધાઓનો લાભ લે અને જિલ્લા રાજ્ય તથા દેશનું નામ રમત ગમત ક્ષેત્રે રોશન કરે, તે માટે અર્થસભર સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉંમરના ગ્રુપો બનાવી ટ્રેનિંગ કરવા માટે પણ જિલ્લા રમત ગમત અધિકારીને કલેકટર શ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.તેની સાથોસાથ માણસા નગરના શહેરીજનો પણ આ વ્યવસ્થા નો લાભ લે તે માટે ચીફ ઓફિસર શ્રી માણસા સતીશ પટેલને સફળ આયોજન માટે જવાબદારી સોંપવામાં આવી હતી.ઉપરાંત સંબંધિત સંકુલના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી રોજ સવારે 5 થી 11 સુધી તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોવા પણ સૂચન કરતાં કલેકટર શ્રી મેહુલ કે દવે દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે, આ સ્પોર્ટ્સ સંકુલ માત્ર એક સંકુલ નહીં ગાંધીનગર જિલ્લા અને રાજ્ય માટે ગૌરવની વાત છે,”આ સંકુલ એ સુવર્ણ ચંદ્રક તરફ પ્રથમ ડગલું માંડી રહેલા રમતવીરો માટેનું એક પ્રથમ પગથિયું છે,જે તેમને જીત તરફ દોરી જશે,અને રાષ્ટ્ર વિકાસની ધુરામાં આ રમતવીરો પરચમ લહેરાવશે.” કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા પણ ભાર પૂર્વક માણસાના નગરજનોને સાંજના સમયે આ સ્પોર્ટ સંકુલનો ઉપયોગ કરવા અને રમતગમત સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો.જેને અનુસરતા કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા સતત ધ્યાન રાખી ફોલોપ લેવામાં આવી રહ્યું છે.તથા માણસા નગરજનો મોટી સંખ્યામાં આ વ્યવસ્થા નો લાભ લે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું રહ્યું છે.

