ગાંધીનગરગુજરાત

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે નક્સલમુક્ત વિસ્તારોના પર્યટકોએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬:

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના નક્સલમુક્ત વિસ્તારોના પર્યટકોએ આજે બીજા દિવસે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ પર્યટકોને ગુજરાતની વિકાસયાત્રા, આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક કક્ષાની નાણાકીય સેવાઓ અને અદ્યતન માળખાકીય સુવિધાઓથી પરિચિત કરાવવાનો હતો.

ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યવસાયિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે તે બેન્કિંગ, વીમા, મૂડીબજાર અને ફિનટેક સહિતના ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરની સેવાઓને પ્રોત્સાહન આપે છે. પર્યટકોએ અહીંની આધુનિક કાર્યપ્રણાલી અને સુવ્યવસ્થિત માળખાકીય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

મુલાકાત દરમિયાન પર્યટકોને સૌપ્રથમ ગિફ્ટ સિટીના માસ્ટર પ્લાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ, ઘન કચરાના વ્યવસ્થાપન, પીવાલાયક પાણી અને પોટેબલ પાણીની પાઇપલાઇન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગિફ્ટ સિટીની યુટિલિટી ટનલના વિભાગો તથા સીટીએમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત દરમિયાન આધુનિક ઉપયોગિતા વ્યવસ્થાઓ અને ટેકનોલોજી આધારિત સંચાલન પદ્ધતિઓથી પર્યટકો અવગત થયા હતા.

ગિફ્ટ સિટીના મેનેજર શ્રી સચિનભાઈ પટેલે પર્યટકોને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન અંગે માહિતી આપી હતી. આ સાથે સીસીટીવી સર્વેલન્સ અને ફાયર સેફ્ટી સિસ્ટમના નેટવર્ક સહિતની અદ્યતન સુરક્ષા વ્યવસ્થાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. આ મુલાકાતથી પર્યટકોને આધુનિક શહેરી આયોજન, પર્યાવરણલક્ષી વ્યવસ્થાપન અને ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અંગે પ્રત્યક્ષ સમજ પ્રાપ્ત થઈ હતી.

મુલાકાત દરમિયાન પર્યટકોએ ગિફ્ટ સિટીની કાર્યપદ્ધતિ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના સંચાલન અને ભારતની વૈશ્વિક આર્થિક ક્ષેત્રે વધતી તકો વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. ગુજરાતમાં સાકાર થઈ રહેલા વિકાસલક્ષી પ્રકલ્પોને નજીકથી નિહાળવાની તક મળતાં પર્યટકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પર્યટક શ્રી સંજયભાઈએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “અમારા સૌ માટે આ અદ્ભુત અનુભવ રહ્યો. અહીંની આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી વિશે જાણીને ઘણો આનંદ થયો. ખાસ કરીને સીસીટીવી અને ફાયર સેફ્ટી સિસ્ટમના નેટવર્ક વિશેની માહિતી અમારા માટે ખૂબ જ ઉપયોગી રહી. ગુજરાતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે તેવો અનુભવ અમને આ મુલાકાતથી થયો છે.”

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોને વિકાસનાં વિવિધ મોડેલોથી પરિચિત કરાવવાનો, પરસ્પર સમજણ વધારવાનો અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. ગિફ્ટ સિટીની મુલાકાતે પર્યટકોને આધુનિક ભારતના આર્થિક માળખા અને વિકાસની નવી સંભાવનાઓનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના નક્સલમુક્ત વિસ્તારોમાંથી આવેલા આ પર્યટકો આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમમાં સહભાગી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ઉજવણી દરમિયાન પર્યટકો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લઈને દેશની એકતા, અખંડિતતા અને સમરસતાના સંકલ્પને વધુ દૃઢ બનાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *