ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે ‘મિશન મધમાખી’ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો

ખેડૂતોને મધમાખી પાલનના વ્યવસાય તરફ પ્રોત્સાહિત કરવા, તેમની આવકમાં વધારો કરવા તથા બાગાયતી પાકોના ઉત્પાદનમાં પરાગનયનની અગત્યતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭/૧૦/૨૦૨૬ના રોજ નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લાના આશરે ૧૦૪ ખેડૂતો માટે મધમાખી પાલન અંગેની તાલીમનું આયોજન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.

       આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા શ્રી પી. એચ. રબારીએ મધમાખીઓના કુટુંબની રચના, ઉછેર, સંચાલન તથા ઋતુ અનુસાર મધમાખી વસાહતોની જાળવણી અને વ્યવસ્થાપન અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મદદનીશ પ્રાધ્યાપક ડૉ. ભૂમિ બારડે મધમાખીઓ દ્વારા થતા પરાગનયનનું મહત્વ સમજાવી, વિવિધ બાગાયતી અને કૃષિ પાકોના ઉત્પાદન તથા ગુણવત્તા સુધારવામાં મધમાખીઓની ભૂમિકા અંગે માહિતી આપી હતી. જ્યારે મદદનીશ પ્રાધ્યાપક ડૉ. એમ. જે. જોષીએ મધમાખીઓની વિવિધ પ્રજાતિઓ, તેમના ઉછેરની પદ્ધતિઓ તેમજ મધ, મીણ અને અન્ય મધમાખીજન્ય પેદાશો દ્વારા ઉપલબ્ધ થતી આવકની તકો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટી ખાતેના મધ પ્રોસેસિંગ એકમની પણ ખેડૂતો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.

      તાલીમાર્થી ખેડૂતોને બનાસ ડેરી ફૂડ કોમ્પ્લેક્સ, બદરપુરા, પાલનપુર ખાતે આવેલા મધ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મધના સંગ્રહ, પ્રોસેસિંગ, ગુણવત્તા જાળવણી અને મૂલ્યવર્ધન સહિતની વિવિધ પ્રક્રિયાઓ અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, કેન્દ્રના વિવિધ એકમોની કામગીરીથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને મધમાખી પાલનના વ્યવસાયમાં જરૂરી સાધનસામગ્રી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વ્યવસ્થાપન તથા બજારલક્ષી તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

       આ તાલીમ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને મધમાખી પાલનને પૂરક અને આવકવર્ધક વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ, મધમાખી પાલન દ્વારા વધારાની આવક ઊભી કરવા અને પાકોમાં પરાગનયનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપી કૃષિ તથા બાગાયતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા અંગે ઉપયોગી જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા તેમજ કૃષિ સાથે સંલગ્ન નવા વ્યવસાયોની તકોનો લાભ લેવા માટે માર્ગદર્શક બની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *