મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇ ચાલી રહેલી ખેંચતાણ પર હવે સ્થિતિ સ્પષ્ટ, જાણો કોની બનશે સરકાર.
મુંબઇ :
મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇ ચાલી રહેલી ખેંચતાણ પર હવે સ્થિતિ સ્પષ્ટ થતી દેખાઇ રહી છે. બુધવારના રોજ એનસીપી અને કોંગ્રેસના નેતાઓની મેરેથોન બેઠકો ચાલી. આ બેઠક બાદ બંને પક્ષના નેતાઓએ ટૂંક સમયમાં જ સરકાર બનાવાની વાત કહી. જો કે સરકાર બનાવા પર મુખ્ય એજન્ડા શું હશે તેના પર હજુ સુધી કોઇ માહિતી મળી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે સીએમ પદ શિવસેના અને એનસીપીની વચ્ચે વારાફરીથી અપાશે. બેઠક અંગે માહિતી ધરાવતા એક સૂત્રએ એમ પણ કહ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ ફાઇનલ થઇ ગયો છે. તેનાપર હવે લગભગ મ્હોર લગાવામાં આવે એટલી જ વાર છે. કહેવાય છે કે શુક્રવારના રોજ મુંબઇમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસની બેઠક થશે ત્યારબાદ ગઠબંધનની જાહેરાત થઇ શકે છે.
આ અંગેની માહિતી ધરાવતા સૂત્રએ કહ્યું કે જો કોઇ મોટો પેચ ફસાશે નહીં તો શનિવાર-રવિવારના રોજ ત્રણેય પાર્ટીના નેતા રાજ્યપાલને મળીને સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે.
આજે ફરી બેઠક કરશે એનસીપી-કોંગ્રેસના નેતા
બુધવારના રોજ એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે કોંગ્રેસ-એનસીપીના નેતાઓની બેઠક યોજાઇ. ત્યારબાદ નક્કી થયું કે આજે અલગ-અલગ બંને પાર્ટીઓના નેતાની બેઠક યોજાશે. ત્યારબાદ સરકાર રચના પર કોઇક નિર્ણય થઇ શકે છે. ગુરૂવાર સાંજે જ નેતા મુંબઇ જવા માટે રવાના થશે ત્યારબાદ શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં ચર્ચા થશે અને ગઠબંધનની જાહેરાત કરી શકે છે.
એટલા માટે સોનિયા ગાંધી ઢીલા પડ્યા?
સૂત્રોનું કહેવું છે કે શિવસેનાને સમર્થન આપવાને લઇ અવઢવમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અચાનક જ પોતાનો રૂખ બદલી નાંખ્યો છે. કહેવાય છે કે સોનિયા ગાંધી પહેલાં એનસીપી પ્રમુખની બાજુથી આ મામલામાં આશ્વસ્ત થવા માંગતા હતા. આ સિવાય જ્યારે વૈચારિક વિરોધી શિવસેનાને સમર્થન આપવાની વાત આવી તો કોંગ્રેસ અધ્યક્ષે પાર્ટીના કેટલાંય સિનિયર નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી. સૂત્રોનું કહેવું છે કે આ ચર્ચામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સાથે વાતચીત ઘણી અગત્યની રહી. કહેવાય છે કે આ બંને નેતાઓએ શિવસેનાને સમર્થન આપવાની વકાલત કરી. સૂત્રોનું માનીએ તો આ બંને નેતાઓએ સોનિયાની સામે દલીલ કરી કે મહારાષ્ટ્રમાં હાલ કોંગ્રેસ ચોથા નંબરની પાર્ટી બની ગઇ છે. જો કોંગ્રેસ સરકારમાં નહીં રહે તો આવનારી ચૂંટણીમાં સ્થિતિ વધુ ખતરનાક થઇ શકે છે. એવામાં વિચારધારાને બચાવી રાખવા માટે પાર્ટીને બચાવી રાખવી ખૂબ જ જરૂરી છે.
CM પદ શેર કરશે
સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું પદ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે વારાફરથી શેર કરાશે. પહેલાં અઢી વર્ષ મુખ્યમંત્રી શિવસેનાનો હશે અને ત્યારબાદના અઢી વર્ષમાં આ પદ એનસીપીને મળશે. એનસીપીના સૂત્રોએ બુધવારના રોજ રાત્રે આ માહિતી આપી. કોંગ્રેસની પાસે પૂરા પાંચ વર્ષ માટે ઉપ મુખ્યમંત્રીનું પદ રહેવાની સંભાવના છે.
ટૂંક સમયમાં જ થશે એલાન
કોંગ્રેસ એનસીપીની બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે ચર્ચા સકારાત્મક રહી અને ટૂંક સમયમાં જ નવી સરકારની રચના થઇ જશે. એનસીપી પ્રવકતા નવાબ મલિકની સાથે સંયુકત સંવાદદાતા સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચૌહાણે કહ્યું કે ચર્ચા હજુ એક-બે દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે આજની ચર્ચા સકારાત્મક રહીય હજુ કેટલીક વસ્તુઓ પર ચર્ચા થવાની છે. આવતા એક-બે દિવસમાં વધુ ચર્ચા થશે. અમે મહારાષ્ટ્રને એક સ્થિર સરકાર આપવાની આશા કરીએ છીએ.