NSUIનું આજે બંધના એલાન બાદ BRTS બસો અટકાવાઈ, મુસાફરો અટવાયા
અમદાવાદ
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસ અને બાઈક ચાલક વચ્ચે થયેલા અકસ્માત બાદ NSUI દ્વારા આજે 22 નવેમ્બરે અમદાવાદમાં BRTS બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે આજે શહેરમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, એનએસયુઆઈ દ્વારા રસ્તે દોડતી બીઆરટીએસ બસોને બંધ કરાવવામાં આવી રહી છે.
પાંજરાપોળ અકસ્માત મામલે આજે NSUI દ્વારા BRTS બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. NSUI દ્વારા આજે રસ્તે દોડતી અનેક બસોને રોકવામાં આવી છે. સાથે જ બસોને મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ કારણે ઓફિસ જવા નીકળેલા તથા પોતાનું કામ લઈને નીકળેલા અનેક મુસાફરો રસ્તે રઝળી પડ્યા હતા. સવારે લો ગાર્ડન પાસે NSUI કાર્યકર્તાઓએ એક બસની હવા પણ કાઢી નાંખી હતી. ત્યારે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં NSUI દ્વારા વધુ દેખાવા થાય તેવી આશંકા છે. છેલ્લા કેટલાક સમયથી BRTS બસના અકસ્માતનું પ્રમાણ વધતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તો સાથે જ ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એએમસી બહાર ધરણા યોજવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યમાં દોડતી બીઆરટીએસ બસો બંધ કરાવવાની માંગણી કરી હતી.
રાજ્યભરમાં દોડતી બીઆરટીએસ, સિટી બસ તથા એસટી બસો બેફામ બની છે. જેને કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બને છે. છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલતી બીઆરટીએસ બસ હવે ફરતી મોત બની ગઈ છે. બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં 75 ટકાનો વધારો થયો છે. બે વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે કુલ 21ના મોત થયા છે. ગઈકાલે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે સગાભાઈના મોત નીપજ્યા છે.