આશ્રમ કાંડ : લંપટ નિત્યાનંદ ટ્રિનિદાદ નાસી ગયો કે પોલીસે સગવડ કરી આપી ?
ગાંધીનગર :
હાથીજણ આશ્રમમાં બાળકો, યુવતીઓને ગોંધી રાખી તેમના પર શોષણ આચરવામાં આવતું હોવાની ફરિયાદ થયાની જાણ થતાં જ આ આશ્રમનો સ્થાપક અને સેક્સ સ્વામી તરીકે કુખ્યાત નિત્યાનંદ દેશ છોડીને ટ્રિનિદાદ એન્ડ ટોબેગો નાસી ગયો હોવાની આશંકા છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, જે પ્રકારે દિકરીના પિતાએ પહેલેથી નિત્યાનંદ નાસી જવા વિષે ભય વ્યક્ત કર્યો હોવા છતાં પહેલા ગુજરાત પોલીસે આશ્રમને ક્લીન ચીટ આપી અને પછી દબાણ, હોબાળો વધતાં સીટની રચના કરી ધરપકડો કરવા માંડી તે જોતાં નિત્યાનંદને વિદેશ નાસી જવામાં સગવડ કરી આપી હોવાનીય શંકા વ્યક્ત કરવામાં આવે છે. આ જ શંકાને સમર્થન એ વાતે મળ્યું છે કે, તે ભાગી જશે તેવી પૂરી આશંકા હોવા છતાં ગુજરાત પોલીસે તેને રોકવા કેન્દ્રના ગૃહ વિભાગને કે વિદેશ મંત્રાલયને જાણ સુદ્ધાં કરી નથી.
ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાને જ્યારે નિત્યાનંદ હાલ અમદાવાદના તેના આશ્રમના ગોરખધંધાના કેસમાં આરોપી છે છતાં તે ટ્રિનિદાદ ભાગી કેવી રીતે ગયો તે અંગે પૂછવામાં આવતાં પ્રવક્તાએ આ અંગે તેમને કોઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નિત્યાનંદ સામે આવી એફઆઈઆર થઈ છે તેની ગુજરાત પોલીસે અમને કોઈ જ જાણ કરી નથી.
વળી, આ સંદર્ભમાં કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી પણ તેમને કોઈ જ માહિતી આપવામાં આવી ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આમાં ચોંકાવનારો યોગાનુયોગ એ છે કે, જનાર્દન શર્માએ પોતાની બે પુત્રીને લઈ નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો છે તેને તેની જ પુત્રીના વીડિયોથી સમર્થન સાંપડયું હતું. તેની મોટી દિકરીએ પિતા પર ગંભીર આક્ષેપો કરતાં બુધવારે જે વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે તેની નાની બહેન સાથે વિદેશમાં છે. પંદર દિવસથી જનાર્દન શર્મા આ જ વાત કરી રહ્યા હોવા છતાં નિત્યાનંદ નાસી ન જાય તેની તકેદાર રાખવા ગુજરાત પોલીસે કોઈ જ પગલાં લીધા ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે.
આશ્રમ સાથે ભળેલા DPS પ્રિન્સિપાલ અને બિલ્ડરને ધરાર છાવરતી પોલીસ:
હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખીને કાળ ભૈરવ શ્રાપના ડરના ઓથા હેઠળ તાંત્રિક વિધિ કરવાનો પર્દાફાશ થયા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ૪૩ ટેબ્લેટ, ૧૪ લેપટોપ, ૪ મોબાઈલ, ૩ પેનડ્રાઈવ, ૩ સીપીયુ, એક ડીવીઆર સહિતની ઈલેકટ્રોનિકસ વસ્તુઓ કબજે લીધી છે. પ્રમોશનલ એકિટવિટી અંગે તપાસ કરવા માટે કબજે લેવામાં આવેલ તમામ ઈલેકટ્રોનિકસ વસ્તુઓ હ્લજીન્માં તપાસ માટે મોકલી આપવામાં આવશે. સીટે આશ્રમમાં રહેતી યુવતીઓના નિવેદનો લેવાની કાર્યવાહી બીજા દિવસે ચાલુ રાખી હતી.
નિત્યાનંદ આશ્રમને ભાડે આપેલી જગ્યાએ અંગે પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસ (હિરાપુર) સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશ પુરીની અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કર ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને જણાને વિવેકાનંદ પોલીસ મથકમાં જ ગણતરીના કલાકોમાં જામીન પર છુટકારો થઈ ગયો હતો. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ડીપીએસ સ્કૂલના ટ્રસ્ટીઓ અને પુષ્પક સિટીના બિલ્ડરને છાવરવામાં આવ્યા છે. જયારે આશ્રમ દ્વારા કરોડો રૂપિયા દાન ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાયા વગર કેવી રીતે ઉઘરાવવામાં આવ્યુ તે બાબત પણ તપાસ માંગી લે તેમ છે. આશ્રમના બેંકના ખાતાઓની માહિતી મેળવીને અત્યાર સુધી થયેલા નાણાંકીય લેવડદેવડ અંગે સીટે તપાસ હાથ ધરી છે.
હિલિંગની વિધિથી પૈસાવાળાને આકર્ષતા હતા:
નિત્યાનંદ પોતે અને તેની સાધીકાઓ હિલિંગની વિધિ શીખવાડતા હતા જેમાં તેઓ એકી નજરે સામેના વ્યક્તિ સામે જોતા હતા. સામેના વ્યક્તિને શુ સમસ્યા કે પછી બિમારી છે તે કહી દેતા હતા અને તેનો નિદાન પણ હીલીંગથી લાવી સામેના વ્યક્તિને પ્રભાવીત કરતા હતા. આમ પ્રભાવીત કરી તેની પાસે પૈસા પડાવતા હોવાનું આસપાસના લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
અમે બંને બહેનો ૨૬મીએ આવીશું, પણ અમારી પાંચ શરતો છે ! । અપહરણ કરી નિત્યાનંદે ગોંધી રાખી હોવાનો પિતાનો આક્ષેપ છે તે બંને બહેનોમાંથી મા નિત્ય તત્ત્વપ્રિયા આનંદે એક વીડિયો જારી કરી એવી જાહેરાત કરી કે, અમારી પાંચ શરતો સંતોષાય તો અમે હાઈકોર્ટે કહ્યું છે તેમ ૨૬મીએ ત્યાં હાજર રહીશું. અમે દેશમાં પ્રવેશીએ ત્યારથી અમને કોર્ટની સુરક્ષા મળે, મારું અપહરણ ન કરાય, અમારી ધરપકડ ન થાય, અમને પાછા માતા-પિતા સાથે ન મોકલાય અને આશ્રમના સંચાલિકા બહેનોની ધરપકડ થઈ છે તેમને છોડવામાં આવે. તેણે એેવો પણ આક્ષેપ કર્યો હતો કે આશ્રમની તેમની બે ગુરુ બહેનોની ખોટી રીતે ધરપકડ થઈ છે. કારણ કે આખા મામલે રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું છે.
મહિલાને ભસ્મ લગાવે તે વશમાં થઇ જતી:
આસપાસના લોકો આશ્રમથી ડરેલા પણ હતા અને તેમના આશ્રમમાં ચાલતી ગતિવિધીથી દુર રહેતા હતા. ગામના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, કંઇ બિમારી કે કોઇ સમસ્યા હોય તો આશ્રમમાં આવવાની સલાહ આપતા હતા.
ડિજિટલ લોકર મળ્યું પણ પાસવર્ડ નથી:
નિત્યાનંદ આશ્રમની સંચાલિકા હરિણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા અને રિદ્ધિ રવિકિરણ ઉર્ફે માં નિથ્યા પ્રિયાતત્વાંધાના રિમાન્ડ દરમિયાન આશ્રમમાંથી ડિજિટલ લોકર મળી આવ્યું હતું. આ ડિજિટલ લોકરના પાસવર્ડ અંગે પુછપરછ કરતા બન્ને સંચાલિકા ગલ્લા તલ્લા કરી રહી છે.
પુષ્પકના બંગલા ૧૬ હજારમાં ભાડે રાખ્યા હતા:
નિત્યાનંદ આશ્રમને અડીને પુષ્પક સિટી બિલ્ડર પાસેથી રૂ.૧૬ હજારના ભાડે ત્રણ બંગલા રખાયા હતા. આ ત્રણ બંગલા બિલ્ડરે આશ્રમને આપ્યા બાદ આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્યાં રાખીને અત્યાચાર ગુજારવવામાં આવતો હતો.
જ્યારે DPSના પ્રિન્સિપાલ હિતેશ પુરી નિત્યાનંદ પર ગદ્ગદ્ થઈ ગયા:
૧૯મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ ડીપીએસના આચાર્ય હિતેશ પુરીએ ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ‘અત્યંત આનંદ સાથે જણાવુ છુ કે, બેંગ્લોરના નિત્યાંનંદ ગુરૂકુળના ઋષી અધ્વૈત, મા અધ્વૈત અને બાળ સંતો સ્કૂલમાં પધાર્યા હતા અને આપણી વૈદીક સંસ્કૃત્તિની અનોખી કળાનું નિદર્શન કર્યુ હતું. વર્ગ- ૧ થી ૮ ના બાળકોએ અત્યંત કુતુહલતા અને રસ પૂર્વક આપણા ભવ્ય વારસા અને પરંપરાના વૈભવને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓ મારફતે શીખવાડવામાં આવ્યું. આ કાર્યક્રમ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ચાલ્યો હતો. આ સત્ર બાદ વિદ્યાર્થીઓ કશુક વધુ શીખ્યા હશે તેવો મને વિશ્વાસ છે. ભાવી પેઢી માટે આપણો ભવ્ય વારસો ઉપલબ્ધ બનાવવા બદલ અમે ઋષી અધ્વૈત, માં અધ્વૈત અને બાળ સંતોના આભારી છીએ. અમે અમારા અધ્યક્ષ મંજુલા પુજા શ્રોફનો આવી તક પુરી પાડવા બદલ આભારી છીએ.’
DPSએ આશ્રમને જગ્યા આપી જ કેવી રીતે, તપાસ કરાવો : CBSE
હાથીજણની ડીપીએસ ઈસ્ટના જ કેમ્પસમાં કોઈ જ માન્યતા કે મંજુરી વિના જ નિત્યાનંદ આશ્રમને જગ્યા ફાળવી ધમધમતો કરી દેવા સામે આખરે સીબીએસઈએ આકરૃં વલણ અપનાવી જે શરતોને અધીન ડીપીએસને ગુજરાત સરકારે નો ઓબ્જેક્શન ર્સિટફિકેટ (NOC) આપ્યું તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોવાથી આ મામલે તત્ત્કાળ સઘન તપાસ કરાવી રિપોર્ટ આપવા રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખી તાકીદ કરી છે.
પરંતુ, આ અંગેના મીડિયા અહેવાલોથી ચોંકી ઉઠેલી સીબીએસઈએ તેના સેક્રેટરી મારફતે રાજ્યના શિક્ષણ વિભાગને તાજેતરમાં જ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ખાસ નોંધ લીધી છે કે, ડીપીએસએ બોર્ડની મંજુરી વિના જ નિત્યાનંદ આશ્રમને સ્કૂલની જમીન ભાડાપટે આપી હોવાના અહેવાલો મળ્યા છે. પરંતુ જુલાઈ, ૨૦૧૦માં ડીપીએસ-ઈસ્ટને અહીં ૨૫,૩૭૪ ચોરસમીટર જમીન પર સ્થાપવા રાજ્યના શિક્ષણ બોર્ડે એનઓસી આપ્યું તેની શરતોને આધારે સીબીએસઈએ સ્કૂલને ૩૧મી માર્ચ, ૨૦૨૨ સુધીની મંજૂરી આપી હતી.
આ મંજૂરી તથા જોડાણના નિયમો મુજબ, સ્કૂલ જે સંસ્થા દ્વારા સ્થપાઈ હોય તે સંસ્થાના નામે જ જમીનના ટાઈટલ, સેલ ડીડ્સ, લીઝ વગેરે હોવા જોઈએ. આથી, સ્કૂલ ચલાવવા સિવાયના અન્ય કોઈ જ હેતુ માટે પોતાની જમીન બીજી કોઈ જ સંસ્થાને ભાડાપટે આપી શકે નહીં. આમ, ડીપીએસ-ઈસ્ટે નિત્યાનંદ આશ્રમને જમીન ભાડે આપી સીબીએસઈએ જે શરતોએ મંજૂરી આપી હતી તેનો ભંગ થયો છે, આથી આ મામલે સઘન તપાસ કરવા આદેશ કર્યો છે.
‘લીઝ’ નહીં પણ ‘લીવ એન્ડ લાઇસન્સ’ કરાર: ડીપીએસની હવે શબ્દોની રમત
ચારે બાજુથી ડીપીએસ-ઈસ્ટ ફરતે ગાળિયો બરોબરનો કસાયો છે અને બિન્દાસ્ત સ્કૂલ સાથે આશ્રમ ચલાવવાના સાણસામાં ફસાતાં ડીપીએસએ હવે કાયદાકીય શબ્દોની રમત શરૂ કરી બચવા ઉધામા કર્યા છે. ડીપીએસના ઓએસડીએ એવો દાવો કર્યો છે કે, ડીપીએસનો આશ્રમ સાથે લીવ એન્ડ લાયસન્સનો કરાર હતો, એટલે તે ભાડુઆત નથી કે તેને ભાડાપટ્ટે નથી આપી. એટલે કે લીઝ નથી. આ અંગે પોલીસને જાણ ન કરી તે ભૂલ કહેવાય પણ આને ગુનો થોડો કહેવાય?
આજે જ તમામ વિગતો આપો, નહીંતર કાર્યવાહીનો રિપોર્ટ : ડીઈઓ
વિવાદિત નિત્યાનંદન આશ્રમ સાથે સંકળાયેલી ડીપીએસ સ્કૂલે જરૂરી આધાર પુરાવા ડીઈઓ કચેરીને પુરા ન પડાતા ગુરૂવારે ગ્રામ્ય ડીઈઓ સહિત ગાંધીનગરના કેટલાક અધિકારીઓ સ્કૂલમાં પહોચ્યા હતા. દરમ્યાન સ્કૂલ દ્વારા યોગ્ય સહકાર ન મળતા આખરે સ્કૂલના ગેટ પર કડક નોટીસ લગાવી આદેશ આપ્યો છે કે, શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધી તમામ વિગતો પૂરી પાડવામાં નહી આવે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવા અંગેનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય શિક્ષણ વિભાગમાં મોકલી દેવામાં આવશે. વિવાદીત સ્વામી નિત્યાનંદન યોગીની સર્વાજ્ઞાપીઠમ આશ્રમને જમીન ફાળવવા મુદ્દે હવે ડીપીએસ સ્કૂલપાસે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલની મંજૂરીનો મેદાન સાથેનો નકશો, આશ્રમનો ભાડા કરાર, આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સરનામા તેમજ અન્ય સ્કૂલમાંથી ડીપીએસ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓની વિગતો માગી હતી. જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓ કચેરીની ટીમને સહકાર ન મળતા સાત દિવસની નોટીસ ફટકારી હતી. ગુરુવારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ગાંધીનગરના કેટલાક અધિકારીઓ મોડી સાંજે સ્કૂલમાં પહોચ્યા હતા. પરંતુ સ્કૂલના પ્રિન્સીપાલ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા ગયા હોવાથી મળી શક્યા નહોતા.
પૂર્વ CS સુધીર માંકડ DPSમાં વાઈસ ચેરમેન:
ગુજરાત સરકારમાં ચીફ સેક્રેટરીપદે રહી ચૂકેલા રિટાયર્ડ CS સુધીર માંકડ અને મંજૂલા પૂજા શ્રોફ દિલ્હી પબ્લિક સ્કૂલ – DPS માં એક સાથે કામ કરી રહ્યા છે ! સુધીર માંકડ હાલમારિઝ રિઝર્વ બેંકમાં ડિરેક્ટર છે અને ગુજરાત સરકારમાં તેઓ શિક્ષણ વિભાગના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. DPS બોપલની વેબસાઈટમાં તેઓ વાઈસ ચેરમેન તરીકે કાર્યરત હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ સ્કૂલના મેનેજમેન્ટમાં મંજૂલા પૂજા શ્રોફ પ્રો.વાઈસ ચેરપર્સન તરીકે કાર્યરત છે.