નિત્યાનંદ આશ્રમ કેસ : DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ માંગ્યો રિપોર્ટ
અમદાવાદ
નિત્યાનંદ આશ્રમ કેસ માં DPS સ્કૂલ વિવાદ મામલે CBSE બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ CBSEએ રિપોર્ટ માગતા શિક્ષણ વિભાગની ટીમ ગઈકાલે ફરી સ્કૂલ પહોંચી હતી. પરંતુ DPSના પ્રિન્સિપાલ સીધા ઘરે જતા રહેતા DEO કચેરીએ નોટિસ લગાવી હતી. આજે સવારે 9 વાગ્યા સુધી તમામ દસ્તાવેજ/આધાર તથા પુરાવાની પ્રમાણિત નકલ સોંપવા પ્રિન્સિપાલના દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે.
નોટિસ મુજબ DPSને રૂબરૂમાં DEO કચેરીએ તમામ દસ્તાવેજ સોંપવા આદેશ કર્યો છે, જેને પગલે આખી રાત DEOની ઓફિસ ખુલ્લી રહી છે. DPS સ્કૂલે તપાસમાં સહકાર ના આપતા અત્યાર સુધી DEO કચેરીને કોઈ જાણકારી આપી નથી. DEO કચેરીએ અગાઉ તમામ દસ્તાવેજ રજૂ કરવા DPS સ્કૂલને 7 દિવસનો સમય આપ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે જવાબ તાત્કાલિક માંગ્યો છે. જો 9 વાગ્યા સુધીમાં જવાબ રજૂ નથી થાય તો DEO કચેરી ફાઈનલ રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમિટ કરશે. DEOના ફાઈનલ રિપોર્ટને આધારે શિક્ષણ વિભાગ CBSE બોર્ડને રિપોર્ટ કરશે. કાયદાનું ઉલ્લંઘન કરવાના મામલે સ્કૂલની પરમિશન રદ્દ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. CBSE બોર્ડના નિયમ મુજબ શિક્ષણ સંસ્થાઓ પોતાની જમીન અન્ય વપરાશ માટે કોઈને સોંપી શકે નહિ.
અમદાવાદ નિત્યાનંદ કાંડમાં ભાગીદારીના કેસમાં DEOએ દિલ્હી પબ્લિક સ્કૂલને અંતિમ ચેતવણી આપી છે. શાળાનો નક્શો અને દસ્તાવેજની ચકાસણી માટે અંતિમ ચેતવણી આપી છે. આજે નક્શો અને દસ્તાવેજ દેખાડવાનો છેલ્લો દિવસ છે. જો DPS દસ્તાવેજોની ચકાસણી નહી કરાવે તો કાર્રવાઈ થશે. આજે DEO કાર્યવાહી કરી શકે છે. CBSEએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે અને DPSએ જમીન લીઝ પર કઈ રીતે આપી તેની તપાસ કરવા કહ્યું છે. બોર્ડની મંજૂરી વિના કઈ રીતે જમીન આપી? આ મામલે શંકાના દાયરામાં આવેલી ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેની સીએસઆર એક્ટિવિટી માટેનો કરાર રદ કર્યો હતો. આ ઉપરાંત કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ રદ કરી ડીપીએસના કેમ્પસમાં આવેલા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરી દેવા નોટિસ આપી હતી.