DPS સ્કૂલની મંજૂરીમાં જ કૌભાંડ : બનાવટી દસ્તાવેજો સાથે CBSE બોર્ડની પરવાનગી મેળવાઇ, જમીન N.A. પણ કરાઈ નથી, હજુ પણ ખેડૂતાના નામે જમીન હોવા સાથે બીયુ, ફાયર સેફ્ટીના કોઈ દસ્તાવેજો નથી : શિક્ષણ સચિવ
અમદાવાદ :
અમદાવાદના મહેદાવાદ રોડ પર આવેલી ડીપીએસ સ્કૂલ-પૂર્વની મંજૂરીમાં જ મોટું કૌભાંડ થયુ હોવાનું બહાર આવ્યુ છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી તપાસ મુજબ ડીપીએસ સ્કૂલ શરૂ કરવા માટે ફાઉન્ડેશન દ્વારા જે જમીન બતાવાઈ છે તે જમીન જ ફાઉન્ડેશનના નામે નથી અને સરકારે સ્કૂલ માટે એનઓસી પણ આપી નથી.સ્કૂલની જમીન પણ એન.એ કરાઈ નથી અને હજુ પણ એગ્રિકલ્ચર ઝોનમાં જ છે.
નિત્યાનંદ આશ્રમને જમીન ભાડે આપવાને લઈને સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાયેલી ડીપીએસ સ્કૂલ પણ વિવાદમા આવી છે ત્યારે સીબીએસઈ દ્વારા ગઈકાલે સરકારના શિક્ષણ વિભાગને આ કેસમાં તપાસ કરવા પત્ર લખવામા આવ્યો હતો.
જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યુ છે કે ડીપીએસ સ્કૂલ-પૂર્વની મંજૂરી માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે તે સમયે એનઓસી(નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) આપવામા આવ્યુ જ નથી.
તપાસ બાદ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા અને સીબીએસઈને મોકલાયેલા રીપોર્ટમાં જણાવવામા આવ્યુ છે કે કેલોરેક્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક હિરાપુર ખાતે ડીપીએસ પૂર્વ સ્કૂલ શરૂ કરવા માટે ૧૧-૯-૨૦૦૯માં એનઓસી માટે અરજી કરવામા આવી હતી અને ૧-૧૦-૨૦૦૯ના રોજ શિક્ષણ વિભાગે ફાયર સેફ્ટી, જમીન સહિતના દસ્તાવેજો માંગ્યા હતા.
ત્યારબાદ ૧-૧૦-૨૦૧૧ના રોજ શિક્ષણ વિભાગે ફરીથી પત્ર લખીને જરૂરી તમામ વિગતો પુરી પાડવા જણાવ્યુ હતુ. ૨૧-૧-૨૦૧૨ના રોજ ફાઉન્ડેશન દ્વારા નવી વિગતો સાથે જે વિગતો રજૂ કરાઈ હતી તેને તપાસ્યા બાદ ૪ ડિસેમ્બર ૨૦૧૨માં શિક્ષણ વિભાગે એનઓસીની અરજી નામંજૂર કરી હતી.
સ્કૂલ માટે રજૂ કરાયેલી જમીન એગ્રિકલ્ચરમાંથી નોન એગ્રિકલ્ચરમાં ન કરાઈ હોવાના લીધે અરજી નામંજૂર કરાઈ હતી અને એનઓસી આપવામા આવ્યુ ન હતું.શિક્ષણ વિભાગના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે સ્કૂલને એનઓસી આપવામા આવી જ નથી .સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બનાવટી એનઓસી લેટર તૈયાર કરી સીબીએસઈમાં રજૂ કરાયુ છે.
ઉપરાંત કેલોરેક્સ ફાઉનડેશન દ્વારા અરજી સયમે જે જમીન દર્શાવાઈ હતી તે જમીન જ નોન એગ્રિકલચર નથી તેમજ મોટા ભાગની જમીન હજુ પણ ફાઉન્ડેશન-ટ્રસ્ટીઓના નામે નથી.આ હજુ પણ ખેડુતોના નામે છે.ઉપરાંત સ્કૂલ પાસે ફાયર સેફટી, બીયુ પરમિશન અને સ્ટ્રકચરલ સેફટી અપ્રૂવલ પણ નથી.આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલની મંજૂરી માટે પાયે છેતરપીંડી આચરવામા આવી છે.