ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર: જિગ્નેશ મેવાણી 3 દિવસ માટે સસ્પેન્ડ
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય સત્રના પ્રથમ દિવસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિગ્નેશ મેવાણીને સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંવિધાન અંગે જ્યારે બોલી રહ્યાં હતા ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સતત તેમણે ચેતવણી આપી રહ્યાં હતા પરંતુ જિગ્નેશ મેવાણી લોબીમાં બુમો પાડતા અંદર ઘુસી આવ્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તે બાદ માર્શલ બોલાવીને મેવાણીને ગૃહની બહાર કાઢ્યા હતા. જિજ્ઞેશ મેવાણીના વર્તન વિશે અધ્યક્ષે કહ્યુ સમાચારમાં રહેવા માટે મેવાણી આવુ વર્તન કરી રહ્યાં છે. જિગ્નેશ મેવાણીને 3 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે સંવિધાનનું પાલન ન કરનારા અને મનુસ્મૃતિમાં માનનાર સંવિધાનનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. જે લોકો થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી એ લોકો, જે લોકો બાબાસાહેબના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરે એ લોકો સંવિધાન દિવસની ઉજવણી કરે?
જિગ્નેશ મેવાણીએ સસ્પેન્ડ કરાયા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મને મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, જિગ્નેશ આવતીકાલે માફી માંગે તો તેને ગૃહમાં અન્ય 2 દિવસમાં બેસવા દેવામાં આવશે. જવાબમાં મેવાણીએ કહ્યું કે, માફી આજે પણ નહી માંગુ અને કાલે પણ નહી માંગુ આ વાત હું ડંકાની ચોટ પર કહું છું.’મેવાણીએ કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ આવ્યો હતો, જે લોકોએ ગુજરાતના થાનગઢમાં ત્રણ દલિતો પર અત્યાચાર કર્યો તે લોકો બંધારણને ઉજવવાનો દાવો કરી રહ્યાં છે.