મ.દે. વિદ્યાલય: મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ શિબિરનો ત્રીજો દિવસ
હાલીસા
ગૂજરાત વિદ્યાપીઠ, મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા દ્વારા આયોજિત હાલીસા મુકામે એન.એસ.એસ.શિબિરના ત્રીજા દિવસે શિબીરની દૈનિક પ્રવૃત્તિઓ મુજબ પ્રભાત ફેરી, ગ્રામ સફાઈ અને લોક સંપર્કના કાર્યો હાથ ધરાયા હતા. હાલીસા ગામના ગ્રામ જનોમાં પણ શિબિરને લઈને સારો એવો ઉત્સાહ પ્રદર્શિત થઇ રહ્યો છે. બપોરની બૌધિક ચર્ચામાં મહાત્મા ગાંધી લિખિત ગ્રામ સ્વરાજ પુસ્તકનું મનન અધ્યયન સત્રમાં ગાંધીજીના વિચારોના ભારત, ગ્રામ જીવન ગ્રામ સંકલ્પના વિષે ઊંડી સમજ કેળવવાનું સુંદર સરાહનીય કાર્ય થઇ રહ્યું છે. આજના બૌધિક સત્રમાં રાજુભાઈ અને દીપ્તિબેનના વ્યાખ્યાનનું આયોજન થયું હતું.
રાજુભાઈએ તેમના વકતવ્યમાં ગ્રામ જીવનના સમરસતાનું ગીત, ‘આ અમારું આ અમારું, આ અમારું ગામ છે. અને ચીનના ગામડાનું દૃષ્ટાંત આપી આદર્શ ગામ એટલે તે પોતાના ઉપર જ નિર્ભર અને તેનો યુવાન ગામમાં જ રહી સુખના સ્વપ્ન જોતો હોય તે જ સાચું આદર્શ ગામ. પરંતુ, હકીકતમાં તો આજના ગામ તો જુદા જુદા વાસ એટલેકે ઠાકોર વાસ, પટેલ વાસ, હરિજન વાસ એમ જુદા જુદા એથનિક ગ્રુપમાં વહેચાયેલો એક સમુદાય બની રહ્યા છે. તેમને શરૂઆતના શ્રમ વિભાજન અને તેના લીધે જ થયેલી નાત, જાતમાં સમાજ વેચાયો. આમાં કોઈ ઊંચ કે નીચ કેવી રીતે હોઈ શકે. આપણે તો પરસ્પરાવલંબી સમાજ છીએ. ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌએ સંક્લ્પબદ્ધ થઇ તેને માટે માત્ર વાતો જ નહિ પણ તેના માટે વ્યૂહાત્મક આયોજન કરવું પડશે.
વ્યસન એ આજે સમાજનું એક અભિન્ન અનિષ્ટ બની ગયું છે. લોકો અને ખાસ કરીને ગ્રામ્ય સમાજમાં લોકો તમાકુ, ધુમ્રપાન, ખૈની જેવા વ્યસનો દ્વારા કેન્સર,બીપી અને ક્ષય જેવા રોગોનો ભોગ બને છે. આમ વ્યસન તેમને આર્થિક રીતે તો નુકશાન કારક તો છે જ પરંતુ તેમના સ્વાસ્થ્યનો પણ ભોગ લેવાય છે અને સમગ્ર પરિવાર ગરીબીમાં ધકેલાય છે. આજના વિશિષ્ટ કાર્યક્રમ અંતર્ગત શિબિરાર્થીઓ દ્વારા ગામમાં વ્યસન મુક્તિ માટેની જાગૃતિ લાવવા એક કાર્યક્રમનું આયોજન થયું હતું. અહીં વિદ્યાર્થીઓએ વ્યસન કર્તા પદાર્થોની ઠાઠડી કાઢી સ્મશાન યાત્રા કાઢી ગામમાં ફેરવવામાં આવી હતી. શરૂઆતમાં તો ગામલોકોમાં એક આતુરતા આવી હતી કે કોણ મૃત્યુ પામ્યું છે? પણ પછી રુદન સાથેના સુત્રોચ્ચાર સાંભળીને હાસ્ય સાથે કુતુહલ પણ ઉભું થયું હતું. આમ વ્યસન મુક્ત થઇ સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ વધુને વધુ લોકો પાસે પહોંચ્યો હતો. સામાન્ય રીતે આ પ્રકાસ્રની વાતો સરકારશ્રી દ્વારા ખુબ બધી જાહેર ખબરો દ્વારા પહોંચાડવામાં આવે છે. પરંતુ આ નવીન પ્રકારના પ્રયોગ થી વ્યસન કર્તાઓ માં સાચુકલી નનામી જોતા મૃત્યુનો ભય તાદૃશ્ય થયો હતો. .
આ એન.એસ.એસ.શિબિરમાં શિબિર સંચાલક ડૉ.રાજેન્દ્ર જોશીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઈ છે. અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.કનુભાઈ વસાવા, ડૉ.વિક્રમસિંહ અમરાવત તથા માર્ગદર્શક અધ્યાપક શ્રીઓમાં ડૉ.ગાયત્રીદત્ત મહેતા, ડૉ.અમરેન્દ્ર પાંડે, ડૉ.દિવ્યેશ ભટ્ટ, ડૉ.મોતીભાઈ દેવું, ગૃહપતિ જયેશભાઈ રાવલ દ્વારા સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ગ્રામસ્વરાજની સમજ ઉભી કરવાનો પ્રત્યન કરવામાં આવી રહ્યો છે. હાલીસા ગામના યુવા સરપંચ શ્રી ભરતભાઈ રબારી અને ગામના લોકોનો ઉત્સાહ સાથ સહકાર સારો મળી રહ્યો છે.