ધોળાકુવાના આંતરિક માર્ગો બનાવવામાં તંત્રની લાપરવાહી
ગાંધીનગર,
ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી આંતરિક માર્ગો બનાવવામાં નહીં આવતાં સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઇ ગયાં છે.ઉબડ ખાબડ માર્ગોના પગલે વાહન ચાલકો અકસ્માતના ભયે વાહન હંકારી રહ્યાં છે પરંતુ તંત્ર નવા માર્ગો બનાવતું નથી.
પાટનગરમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં આવતાં આ ગામનો શહેરમાં સમાવેશ કરવા છતાં શહેરની જેમ સુવિધાઓ આપવામાં તંત્ર પાછી પાની કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહિશોને અવર જવર કરવા માટેના આંતરિક માર્ગો તંત્રએ છેલ્લા ઘણા વર્ષોથી નવા બનાવ્યા નથી જે અંગે કોર્પોરેટર પિન્કીબેન પટેલે ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરી છે કે, ઉબડ ખાબડ માર્ગોના પગલે વાહન ચાલકોને અવર જવર કરવામાં અકસ્માતનો સામનો કરવો પડે છે તો સ્થાનિક રહિશોને પણ રાત્રીના સમયે માર્ગો સમતલ નહીં હોવાથી અકસ્માતના ભયે વાહન હંકારવું પડે છે. તાજેતરમાં થયેલાં વરસાદના પગલે ઘણા માર્ગો બિસ્માર બની ગયા છે.
પરંતુ તંત્ર દ્વારા વરસાદ બંધ થયા બાદ પણ બિસ્માર બનેલાં માર્ગોનું સમારકામ કરવામાં આવતું નથી. ના છુટકે ગ્રામજનોને પણ અકસ્માતગ્રસ્ત માર્ગોઉપર વાહન હંકારવાની નોબત આવી છે. ત્યારે એક જ શહેરમાં હોવા છતાં સેક્ટરના રહિશો માટે સુવિધા ઉભી કરવામાં તંત્ર પાછી પાની કરતું નથી પરંતુ શહેરના સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના લોકોને યોગ્ય સુવિધાઓ આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.