ખેલમહાકુંભના ૩૦ હજારની સામે હજુ ૧ર હજાર જ રજીસ્ટ્રેશન થયા
ગાંધીનગર, સોમવાર
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરવામાં આવતાં ખેલ મહાકુંભ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકોને પણ જોડવામાં આવે છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આ મહાકુંભ માટે ત્રીસ હજાર જેટલા રજીસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તા.૧પમી સુધી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાના છે ત્યારે હજુ સુધી ફકત ૧ર હજાર જેટલા જ રજીસ્ટ્રેશન થયા છે ત્યારે કોર્પોરેશન દ્વારા શાળા, કોલેજો તથા વિવિધ ખાનગી એકમોને રજીસ્ટ્રેશન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં રહેલી ખેલ શક્તિ ઉજાગર થાય તે હેતુથી રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેલ મહાકુંભ પ્રતિયોગિતા શરૃ કરવામાં આવી છે. જેમાં તાલુકાથી લઈ રાજ્ય સુધી વિદ્યાર્થીઓને તેમની વિવિધ રમતોમાં પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધાઓ કરવામાં આવે છે. જો કે ખેલ મહાકુંભના આ કાર્યક્રમ અંતર્ગત સરકાર રજીસ્ટ્રેશનના મોટા આંકડા બતાવવા માટે પણ દોડધામ કરતી હોય છે. દરેક જિલ્લા, તાલુકા અને નગરપાલિકા મહાનગરપાલિકાને તેમના વિસ્તારમાં રજીસ્ટ્રેશન માટે લક્ષ્યાંક આપી દેવામાં આવતાં હોય છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦ હજાર જેટલા સ્પર્ધકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જો કે તા.૧પમી સપ્ટેમ્બર ઓનલાઈન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે ત્યારે હજુ સુધી માંડ ૧૨ હજાર જેટલા રજીસ્ટ્રેશન થયા છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી શાળા કોલેજો તેમજ ખાનગી એકમોને છેલ્લા ત્રણ દિવસમાં રજીસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. સરકારની સ્પર્ધા હોવાથી ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાઓને આવતીકાલે રજાના દિવસે પણ રજીસ્ટ્રેશન કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.