કાશ્મીરના પુલવામા અને બારામુલ્લામાં કર્ફ્યૂ : યુવતીનું મોત થતાં મૃત્યુઆંક ૮૨
જમ્મુ કાશ્મીરમાં સતત ૭૩મા દિવસે જનજીવન ઠપ
– યુવતીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
રાજનાથ, પારિકર, દોવલ અને જનરલ સુહાગે કાશ્મીર સમીક્ષા કરી
(પીટીઆઇ) શ્રીનગર, તા. ૧૯
ંકાશ્મીરના પુલવામા અને બારામુલ્લા જિલ્લામાં આજે કરફ્યુ લાદવામાં આવ્યો હતો જ્યારે અલગતાવાદીઓની ત્રણ જિલ્લાઓમાં રેલી કાઢવાની જાહેરાતને પગલે ખીણ સહિત શ્રીનગરના અનેક વિસ્તારોમાં નાખવામાં આવેલો કરફ્યુ આજે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સતત ૭૩મા દિવસે જવજીવન ઠપ રહ્યું હતું.આ દરમિયાન ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન પારિકર, સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને સેનાના વડા જનરલ દલબીર સિંહે કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પુલવામા અને બારામુલ્લા જિલ્લામાં આજે કરફ્યુ નાખવામાં આવ્યો છે જ્યારે શ્રીનગરના પ્રમુખ વિસ્તારો શોપિયાં સહિત પાંચ પોલીસ સ્ટેશનો અને બાહ્ય વિસ્તાર બટમાલુમાં આજે પણ કરફ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે બારામુલ્લા, પુલવામા અને શ્રીનગરમાં અલગતાવાદીઓની રેલી કાઢવાની જાહેરતને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે. ખીણના અન્ય વિસ્તારોમાં હજુ પણ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.
આ દરમિયાન શોપિયાં જિલ્લામાં પથ્થરમારો કરી રહેલા લોકો પર સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યાં હતાં ત્યારે આઘાતને કારણે ૧૯ વર્ષીય યુવતીનું હૃદયરોગનો હુમલાને કારણે મોત થયું હતું. આ સાથે જ કાશ્મીરમાં મૃત્યુઆંક વધીને ૮૨ થઇ ગયો છે. બીજી બાજુ અનંતનાગમાં રહસ્મય સંજોગોમાં શાળાની એક ઇમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શોપિયાં જિલ્લાના વેહિલમાં દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન મોહંમદ હુસેનની પુત્રી ખુશ્બુ અચાનક ઢળી પડી હતી. યુવતીને તાત્કાલિક શોપિયાંની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હૃદયરોગનો હુમલો દર્શાવવામાં આવી રહ્યું છે.