૩૦ સપ્ટેમ્બર પહેલાં કોંગ્રેસના માળખામાં ધરમૂળથી ફેરફાર થશે
શહેર-જિલ્લા સમિતિઓમા નવા ચહેરાને સ્થાન અપાશે
– રાજકીય લાગવગ આધારે હોદ્દા અપાશે તો ભડકો થશે
પ્રજાના પ્રાણપ્રશ્નો ઉઠાવતાં, લોકસંપર્ક ધરાવનારા યુવાઓને તક મળશે
અમદાવાદ ,સોમવાર
વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે હવે સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે ત્યારે આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રદેશથી માંડીને જીલ્લા,તાલુકાના માળખામાં ફરફાર કરી પુ:ન રચના કરવામાં આવશે. ખાસ કરીન શહેર અને જીલ્લા સમિતીઓમાં યુવા અને નવા ચહેરાને સ્થાન આપવામાં કોંગ્રેસ મન બનાવ્યું છે.
સૂત્રોના મતે, સિનિયર નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ બાદ કોંગ્રેસની સ્થિતી કપરી બની છે. કોંગ્રેસમાં યુવા નેતાગીરીને સ્થાન નથી ત્યારે હવે માત્ર હોદ્દા ભોગવતાં નેતાઓને ઘરભેગા કરવાની માંગ બુલંદ બની છે. એટલું જ નહીં, હાઇકમાન્ડે પણ કામ કરતાં કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવવા સૂચના આપી છે.
હવે શહેર-જીલ્લા સમિતીઓમાં દસ નવા અને યુવા ચહેરાઓને સમાવવા નક્કી કર્યું છે.
આ ઉપરાંત લોકસંપર્ક ધરાવતા હોય, જે તે વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ ધરાવતાં હોય, પ્રજાના પ્રાણપ્રશ્નોને લઇને લડત લડતાં હોય તેવા યુવા નેતાઓને પ્રાથમિકતા આપવા કોંગ્રેસે નક્કી કર્યું છે. શહેર-જીલ્લા સમિતીઓની સાથે સાથે પ્રદેશના માળખામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે .
પ્રદેશ માળખામાં સમાવી નારાજ નેતાઓને મનાવી લેવાની પણ કોંગ્રેસ નેતાઓની ગણતરી છે. રાજકીય લાગવગ આધારે હોદ્દા અપાશે ફરી અસંતોષનો ભડકો થઇ શકે છે.
વરસાદને કારણે વિસાવદરનું ખેડૂત સંમેલન ૩૦મીએ યોજાશે
અમદાવાદ,સોમવાર
કોંગ્રેસ ખેડતોના પ્રશ્નોને આગળ ધરીને ૨૧મીએ વિસાવદરમાં ખેડૂત સંમેલન યોજવા નક્કી કર્યું હતુ પણ ભારે વરસાદને પગલે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડયો છે. હવે ૩૦મીએ વિસાવદરમાં જ ખેડૂત સંમેલન યોજાશે. આ સંમેલન બાદ કોંગ્રેસે બેરોજગાર સંમેલન યોજવા આયોજન કર્યું છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપશે.