મોદીના શાસનમાં દેશની સ્થિતિ કોંગ્રેસ કરતાં પણ ખરાબ : શિવસેના
– ઉરી હુમલા મુદ્દે ‘સામના’માં મોદી પર પ્રહાર
– કાશ્મીરમાં સરકારને ભંગ કરી લશ્કરી કાયદો અમલી કરો
ભારત પાક.ને માત્ર ચેતવણી આપ્યા સિવાય કશું કરતું જ નથી
(પીટીઆઇ) મુંબઇ, તા. ૧૯
ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા શિવસેનાએ જણાવ્યું હતું કે આજે દેશની સ્થિતિ કોંગ્રેસ શાસન કરતા પણ ખરાબ થઇ ગઇ છે. શિવસેનાએ જણાવ્યું હતું કે જો વડાપ્રધાન પાકિસ્તાન પર હુમલો કરવા અને આતંકીઓનો સામનો કરવા અસર્મથ છે તો વૈશ્વિક છબિ સુધારવાના તેમના પ્રયાસો વ્યર્થ જશે.
શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને પાકિસ્તાન સમર્થિત તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યની સરકારને ભંગ કરી અને રાજ્યમાં માર્શલ કાયદો અમલમાં મૂકવાની અપીલ કરી છે.
શિવસેનાએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે પાકિસ્તાને આ હુમલાની સાથે જ ભારત વિરુદ્ધ યુદ્ધ શરૃ કરી દીધું છે. પાકિસ્તાનની સંડોવણીના પુરાવા એકત્ર કરવાના આપણા પ્રયત્નોનું આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઇ પરિણામ સામે આવ્યું નથી.
શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના તંત્રી લેખમાં જણાવ્યું છે કે તમારે સ્વીકારવુ પડશે કે આજની સ્થિતિ કોંગ્રેસના શાસન કરતા પણ વધારે ખરાબ છે. હવે જ્યારે કાશ્મીરમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે અને પાકિસ્તાનના ધ્વજ લહેરાવવામાં આવી રહ્યાં છે ત્યારે કેન્દ્રે રાજ્ય સરકારનું વિસર્જન કરી ત્યાં માર્શલ કાયદો અમલમાં મૂકવો જોઇએ કારણે રાષ્ટ્રપતિ(રાજ્યપાલ) શાસન પૂરતું નથી.
શિવસેનાએ જણાવ્યું છે કે હવે પાકિસ્તાને હવે ભારતની વિરુદ્ધ ખુલ્લુ યુદ્ધ શરૃ કરી દીધું છે ત્યારે આપણે ચેતવણી આપ્યા સિવાય કશુ કરી શકતા નથી. આપણે આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા શા માટે શોધી રહ્યાં છે? પઠાણકોટમાં કરવામાં આવેલા આતંકી હુમલાની તપાસનો અહેવાલ પણ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મદદરૃપ રહ્યાં નથી.