ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે સર્વે

ગાંધીનગર,ગુરુવાર

મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર અને ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે તેવી સ્થિતિમાં આ છુટાછવાયા કેસ કોઇ રોગચાળાનું સ્વરૃપ ન લઇ લે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે.જેમાં પ્રથમ રાઉન્ડ પુર્ણ થયા બાદ હવે આગામી તા.૨૬મીથી બીજો રાઉન્ડ શરુ કરવામાં આવશે.

જે અંતર્ગત ગામે ગામ જઇને પાણીના પાત્રોની ચકાસણી અને પોરાનાશક કામગીરી કરવામાં આવશે એટલુ જ નહીં, તાવના કે શંકાસ્પદ દર્દીઓને તપાસીને તેમના લોહીના નમુના પણ લેવાશે.આ સોમવારથી ગાંધીનગર જિલ્લામાં શરુ કરવામાં આવશે અને રીપોર્ટને આધારે કમિશનર કચેરીમાંથી સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલ મેલેરિયા અને ડેન્ગ્યુ સહિત ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના દર્દીઓમાં ચિંતાજનકરીતે વધારો થયો છે.ત્યારે આ વાહકજન્ય રોગચાળો વધુ જીવલેણ ન બને તેમજ ઓછામાં ઓછા લોકો આ રોગના ભોગ બને તે માટે આરોગ્ય કમિશનરની સુચનાથી જિલ્લા અને શહેરી આરોગ્ય વિભાગને તમામ ઘરોનો સર્વે કરવા માટે સુચના આપી હતી. રાજ્યવ્યપી આ અભિયાનના પ્રથમ તબક્કામાં ગાંધીનગર જિલ્લામાં ૯૪ ટકાથી વધુ કામગીરી થઇ હતી ત્યારે બાકી રહેલી કામગીરી અગાઉના દિવસોમાં પુર્ણ કરીને તા. ૨૬મી સપ્ટેમ્બરથી તા.૧લી ઓક્ટોબર સુધી આ અભિયાનનો બીજો તબક્કો શરુ કરવામાં આવશે.

આગામી સોમવારથી પુનઃ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના તમામ ગામોને અને આ ગામના તમામ ઘરો તથા જાહેર બિલ્ડીંગ અને ફળિયાને પણ આવરી લેવામાં આવશે.જેમાં તમામ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ વર્કર, તથા આશા બહેનો એક જ દિવસમાં એક થી બે ગામોમાં પાણી ભરેલા પાત્રોની ચકાસણી તેમજ પોરાનાશક કામગીરી કરશે.

આ ઉપરાંત ગામમાં તાવના દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના પણ લેવામાં આવશે.સાથે સાથે ગામમાં પ્રચાર પ્રસાર પણ કરવા કરવામાં આવશેે.એક સપ્તાહના આ તબક્કામાં તંત્ર દ્વારા જિલ્લામાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, ફિમેલ હેલ્થવર્કર તથા આશાબહેનો દ્વારા મચ્છરનાબુદી અભિયાન અંતર્ગત ગામડે ગામડે કામગીરી કરવામાં આવશે. આ કામગીરી ઉપર જિલ્લાકક્ષાની ટીમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે જ્યારે દરરોજ જિલ્લકક્ષાએથી કમિશનર કચેરીએ કામગીરીનો રીપોર્ટ મોકલવામાં આવશે અને આ રીપોર્ટને આધારે ઉચ્ચકક્ષાએથી જરૃરી સુચનાઓ આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x