ગાંધીનગરગુજરાત

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ફાઇવસ્ટાર બનશે

ગાંધીનગર,ગુરુવાર

રાજ્યના પાટનગરની રચના થયાં બાદ લાંબાગાળે રેલ્વે સ્ટેશને ટ્રેનો દોડતી થઇ છે ત્યારે આ રેલ્વે સ્ટેશન ઉપર વધુને વધુ ટ્રેનો આવી શકે તે માટે ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી પણ રેલ્વે તંત્ર દ્વારા પુરી કરી દેવામાં આવી છે. ઉપરાંત બાજુમાં જ મહાત્મા મંદિર હોવાથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આ સ્થળની મુલાકાત લેવાનું અંદાજો હોવાથી રેલ્વે વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવાનું આયોજન હાથ ધરાયું છે. રેલ્વે સ્ટેશન ઉપર રહેણાંકની ઉત્તમ વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટે ફાઇવસ્ટાર હોટલ બનાવવાની કામગીરીના ભાગરૃપે વિભાગે વિધિવત રીતે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. આગામી દિવસોમાં આ હોટલ બનાવવાની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવશે.

ગાંધીનગર શહેરની રચના થયા બાદ લોકોને ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે દુર અંતર સુધીની ટ્રેનો ગાંધીનગરમાંથી પસાર થઇ શકે તે માટે તંત્ર દ્વારા વર્ષો અગાઉ કોઇ આયોજન ગોઠવવામાં નહીં આવતાં ફક્ત એક જ ટ્રેન આ રેલ્વે સ્ટેશન ઉપર અવર જવર કરતી હતી.

પરંતુ થોડા સમય અગાઉ રાજ્યનું પાટનગર પણ દુર અંતર સુધી ટ્રેનની સુવિધા સાથે જોડાઇ શકે તે માટે તંત્ર દ્વારા લાંબા અંતરની બે ત્રણ ટ્રેનો તેમજ લોકલ મેમુ ટ્રેનનો પ્રારંભ કર્યો છે. ઉપરાંત રેલ્વે સ્ટેશનની નજીક જ મહાત્મા મંદિર બની રહ્યું છે જેની કામગીરી પણ અંતિમ તબક્કામાં હોવાથી આગામી દિવસોમાં આ મંદિરના મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો નોંધાવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારે દેશના અને વિદેશના પર્યટકો શહેરની મુલાકાતે આવે ત્યારે રહેવાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઇ શકે તેના ભાગરૃપે રેલ્વે વિભાગ દ્વારા આ રેલ્વે સ્ટેશનના વિકાસમાં પણ વધારો થાય તે અંગેનું આયોજન હાથ ધર્યું છે.

પ્રથમ તબક્કામાં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશને ફાઇવસ્ટાર હોટલ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવશે. જે અંતર્ગત રેલ્વેના ઉચ્ચઅધિકારીઓ દ્વારા તાજેતરમાં જ ફાઇવ સ્ટાર હોટલ બનાવવાની જગ્યા માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દઇને રેલ્વે વિભાગને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેના ભાગરૃપે રેલ્વે વિભાગ દ્વારા સમગ્ર દેશના પાંચ રેલ્વે સ્ટેશનો ઉપર બનનાર ફાઇવસ્ટાર હોટલની સુવિધામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ કર્યો છે. જેના અંતર્ગત રેલ્વે વિભાગે વિધિવત રીતે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. ગુજરાતના સુરત અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવશે. કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર વધુને વધુ ટ્રેનો અવર જવર કરી શકે તે માટે તંત્રએ ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે. ઉપરાંત અન્ય સુવિધાઓ પણ રેલ્વે સ્ટેશન ઉપર શરૃ કરવા અંગે અધિકારીઓ દ્વારા વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.

આ રેલ્વે સ્ટેશન ઉપર હોટલની સાથે સાથે મોલ પણ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આમ મહાત્મા મંદિરની પાસે જ ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ થતાં દેશ અને વિદેશના મુલાકાતીઓને નજીકના સ્થળે જ રહેવા માટેની ઉત્તમ સુવિધા રેલ્વે વિભાગ દ્વારા પુરી પાડી શકાય તે પ્રકારે હોટલનું નિર્માણ કરવામાં આવશે. જાહેરનામું વિધિવત રીતે બહાર પાડી દીધા બાદ આગામી દિવસોમાં આ હોટલ બનાવવાની કામગીરી પણ પ્રારંભ કરવામાં આવશે. જેથી ગાંધીનગરના લોકોને પણ આ ફાઇવસ્ટાર હોટલની સુવિધાનો લાભ પ્રાપ્ત થઇ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x