રૃપાલના પ્રસિદ્ધ વરદાયીની મંદિરે નવમીએ પલ્લીનો મેળો
ગાંધીનગર,ગુરૃવાર
ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૃપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. એટલે કે તા.નવમી ઓક્ટોબરે રૃપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવી છે. આઠ લાખથી વધુ ભક્તો ઉમટવાના છે ત્યારે તેની વ્યવસ્થાને લઇને કલેક્ટર દ્વારા બેઠકોનો દૌર શરુ કરી દીધો છે.
શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૃપાલ વરદાયીની માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે અને આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૃપાલનો આ પલ્લી મેળો આ વખતે તા.૯, ઓક્ટોબરના રોજ યોજાશે.ઓક્ટોબર માસના પ્રથમ દિવસથી જ નવરાત્રી શરુ થઇ રહી છે ત્યારે નવરાત્રીના છેલ્લા એટલે કે, નોમની રાત્રે રૃપાલમાં પલ્લી નિકળવાની છે જેની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે આ મંદિરનો વહિવટ સરકાર હસ્તક છે અને રૃપાલની પલ્લીમાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરુ કરી દીધી છે.
આ ગામમાં પલ્લીના અઠવાડિયા અગાઉથી આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી શરુ કરી દેવા માટે તેમજ મંદિર તથા ગામમાં અપાતા પાણીમાં ક્લોરીનની માત્રા જળવાઇ રહે તે માટે સુચના આપવામાં આવી છે. તેમણે પલ્લી અને મેળાની તૈયારીઓ અંગે મળતી માહિતી પ્રમાણે આ વખતે પણ દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં આઠ લાખથી વધુ માઈ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે.
તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.તો ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસને તહેનાત રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભક્તોને સરળતા અને સગવડ મળી રહે તે માટે એસટી દ્વારા પણ વધારાની બસો દોડાવવાનું આયોજન છે.