ભારત નિર્માણના પ્રદર્શન: હવે કોંગ્રેસ ઘણાવશે પોતાના કામો
અમદાવાદ/ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ દ્વારા 60 વર્ષ કોંગ્રેસની નિષ્ફળ સરકારના ટોણાંનો જવાબ આપવા હવે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે 60 વર્ષોના કામ ગણાવતા ભારત નિર્માણના પ્રદર્શનનું આયોજન કર્યું છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર નવસારીથી તેની શરૂઆત થશે. આ પ્રદર્શનીમાં ડૉ મનમોહન સિંહ દ્વારા કરવામાં આવેલા કામો સિવાય અન્ય કામોની લાંબી યાદી છે.
દેશની પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ થી લઈને ડૉ મનમોહન સિંહ સુધીના તમામ કોંગ્રેસી પ્રધાનમંત્રીઓના કામોની યાદી ગુજરાત કોંગ્રેસ તૈયાર કરી છે. દેશના વિકાસના લગભગ 100 જેટલા કામોની યાદી કોંગ્રેસે તૈયાર કરી છે. જેને પ્લેકાર્ડના રૂપે પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવશે. ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆી સુધી આ પ્રદર્શન લગાવવામાં આવશે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી નેહરૂના શાસનમાં ઈસરો, તારાપુર અણુમથક, ભાભા એટોમિક રિસર્ચ, IIM, IIT, સરદાર સરોવાર, ભાખરા નાંગલ ડેમ, એશિયન ગેમ્સની યજમાની જેવી ઉપલબ્ધીઓ દર્શાવવામાં આવી છે.
પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીના કામો તરીકે BSF ની સ્થાપના, પાકિસ્તાન પર વિજય, ડેરી વિકાસ, જય જવાન- જય કિસાન સુત્રને દેશની છબીને બદલનાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે લોખંડી પુરૂષ સરદાર પટેલને દેશના એકાકીકરણ, શ્વેતક્રાંતિ, હરિત ક્રાંતિના માર્ગ દર્શક દર્શાવી મજબૂત રાષ્ટ્રના નિર્માતા ગણાવાયા છે. પૂર્વ PM ઈન્દિરા ગાંધીને દેશને પરમાણુ સંપન્ન બનાવવા અને પાકિસ્તાનના ભાગલા પાડવાનો શ્રેય આપવામાં આવ્યો છે.