ઔડાએ ગેરકાયદે બાંધકામ કરનાર ડીપીએસ ઈસ્ટને હવે ફટકાર્યો 50 લાખનો દંડ
અમદાવાદ
ઔડાએ ગેરકાયદે બાંધકામ કરનાર ડીપીએસ ઈસ્ટને હવે રૂપિયા 50 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ ભર્યા પછી વિકાસ પરવાનગીની ઔડા મંજૂરી આપશે. જિલ્લા કલેકટરે એનએ કરેલી 36,326 ચો.મી.માંથી 40 ટકા જમીન કપાત કરી 21,796 ચો.મી.જમીન ડીપીએસને ફાળવી હતી. હવે ડીપીએસે બિલ્ડિંગની મંજૂરી માટે કરેલી અરજી દંડ ભરાય પછી સ્વીકારાવાની શક્યતા છે.
ડીપીએસે વિકાસ પરવાનગી માટે 13 નવેમ્બર 2019એ અરજી કરી હતી. પરંતુ બિલ્ડિંગ પરવાનગી વગર ઉભું કરાયું હોવાથી તેને નોટિસ ફટકારી 50.50 લાખ દંડ ફટકાર્યો હતો. જે ડીપીએસે હજુ સુધી ભર્યો નથી. સ્થળ પર ત્રણ હયાત બાંધકામ અને એક સૂચિત બાંધકામની પરવાની બાબતે સૈદ્ધાંતિક મજૂરી મંગાઇ છે. સ્કૂલે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યુ છે.
દંડ ભરાયા બાદ ઔડાની ટીમ સ્થળ પર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કર્યા પછી વિકાસ પરવાનગી આપશે. ડીપીએસને ગત જૂન,2019 અને ઓગસ્ટ, 2019માં એન.એ.ની મંજૂરી આપી હતી. ઔડાએ ગેરકાયદે બાંધકામ મામલે 2017-18માં ડીપીએસને નોટિસ આપી હતી અને ઓફિસ સીલ કરી હતી. જોકે રાજકીય દબાણ ઉભું થતાં કાર્યવાહી આટોપી લેવાઇ હતી. હાલ દંડ વસૂલવાની કાર્યવાહી ચાલે છે.