ટ્રમ્પ ની ભારત મુલાકાત દરમિયાન લેવાઈ શકે છે મોટો નિર્ણય
વોશિંગ્ટન
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની ભારત મુલાકાત માટેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસ ના ટ્વીટર એકાઉન્ટ પરથી આ જાણકારી શેયર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત લેશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
વ્હાઇટ હાઉસે ટ્વીટ કરી છે કે આ પ્રવાસ અમેરિકા અને ભારતના સંબંધોનો વધારે મજબૂત બનાવશે. આ મુલાકાતથી અમેરિકન અને ભારતીયો વચ્ચે મજબૂત અને સ્થાયી ગઠબંધન બનશે. આ ભારત યાત્રા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પત્ની પણ હાજર હશે. તેઓ આ પ્રવાસ દરમિયાન ગુજરાત પણ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નવી દિલ્હીમાં એક બ્રિફિંગ વખતે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુલાકાતની ચર્ચા હતી.
વડાપ્રધાન મોદી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા ત્યારે તેમણે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમની વચ્ચે આ વિશે વાતચીત ચાલી રહી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ સાથે મંચ શેયર કર્યા પછી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે ટ્રમ્પને કહ્યું હતું કે તેમનો ભારત પ્રવાસ બંને દેશોના સંબંધને નવી ઉંચાઈ આપશે.