પ્રથમવાર યોજાનાર આયોજન સમિતિની ૨૦ બેઠકોની ચૂંટણી માટે ૩૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગાંધીનગર,મંગળવાર
ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજન સમિતિ બનાવવા માટે પ્રથમ વખત ચૂંટણી કરવામાં આવનાર છે જેના માટે ચૂંટણી અધિકારી દ્વારા અગાઉ નોટીફીકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું જેના ભગારૃપે ૨૦ બેઠક માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી.જેમાં જિલ્લા પંચાયતના ૧૬ સભ્યોની બેઠક માટે કોંગ્રેસમાંથી ૧૬ જ્યારે ભાજપમાંથી પાંચ એમ ૨૧ સદસ્યોએ ફોર્મ ભર્યા છે. જ્યારે પાલિકાની એક-એક એમ ચાર બેઠકો માટે કુલ નવ ફોર્મ ભરાયા છે.આ સભ્યોની તા.૧૮મીએ ચૂંટણી થવાની છે.
જિલ્લાના વિકાસ કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટનો આયોજન મંડળ દ્વારા સુયોગ્ય આયોજન કરીને તેને ક્યાં વાપરવી તે નક્કી કરતા હોય છે અને તે દિશામાં વિકાસ કામો થતા હોય છે ત્યારે હવેથી તમામ જિલ્લાઓની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ આયોજન સમિતિની રચના ચૂંટણી કરીને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૃપે હવે ગાંધીનગર જિલ્લામાં વસ્તીના ધોરણે એટલે કે, ૨૦ બેઠકોનું નોટીફિકેશન અગાઉ ચૂંટણી અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.જે અંતર્ગત જિલ્લા પંચાયતની ૧૬ જ્યારે પેથાપુર, દહેગામ, માણસા અને કલોલ નગરપાલિકામાંથી એક-એક મળી ચાર એમ કુલ ૨૦ બેઠકો માટે આગામી તા.૧૮મીએ મતદાન કરવામાં આવનાર છે.
ત્યારે આ નોટીફિકેશન પ્રમાણે, મંગળવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને જિલ્લા પંચાયતની ૧૬ બેઠકો માટે કોંગ્રેસના ૧૬ સભ્યોએ ફોર્મ ભર્યા છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહે જણાવ્યું હતું કે, પાર્ટીએ આપેલા મેન્ડેટ પ્રમાણે સદસ્યોએ ફોર્મ ભર્યા છે તો સામે ભાજપે પણ પાંચ સભ્યોએ ફોર્મ ભરાવડાવ્યા છે.તો નગરપાલિકાની વાત કરીએ તો માણસા નગરપાલિકામાંથી ભાજપના જ બે સભ્યો, પેથાપુર અને દહેગામ અને કલોલમાંથી ભાજપના એક-એક જ્યારે કલોલમાં કોંગ્રેસમાંથી ચાર સભ્યોએ ફોર્મ ભર્યા છે.આમ,ચાર નગરપાલિકામાં નવ ફોર્મ ભરાયા છે.
આવતીકાલે ફોર્મની ચકાસણી બાદ આ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ તા.૭ ઓક્ટોબર રાખવામાં આવ્યો છે. આમ શુક્રવારે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. જ્યારે તા.૧૮મીએ સવારે નવ કલાકથી આ ઉમેદવારો માટે મતદાન કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોવાને કારણે અને આ સમિતિમાં ૧૬ સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટવાના હોવાને કારણે આયોજન સમિતિમાં કોંગ્રેસનો જ દબદબો રહેશે.જ્યારે નગરપાલિકાની ચાર બેઠકો પર ભાજપના જ ઉમેદવારો ચૂંટાશે. આમ આયોજન સમિતિમાં ૧૬ કોંગ્રેસના જ્યારે ચાર ભાજપના સભ્યો રહેશે.