ગાંધીનગરગુજરાત

પાણીદાર ખેલૈયાઓએ પાણી બતાવ્યું ચાલુ વરસાદે રાસ જ્યારે અડધા ઇંચમાં હિંચ લેવાઇ

ગાંધીનગર,મંગળવાર
માતાજીના તહેવારમાં મેઘરાજા વણબોલાવ્યા મહેમાન થઇ આવી ચઢ્યા છે ત્યારે આ મહેમાનને પણ નગરના પાણીદાર ખેલૈયાઓએ વધાવી લીધા હોય તેમ ચાલુ વરસાદી વાતારણમાં પણ ગરબા ગાવામાં આવ્યા છે.પાર્ટીપ્લોટ અને શેરીગરબામાં પણ ચાલુ વરસાદમાં છત્રી સાથે રાસ લેતા તો અડધા ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં હિંચ લેતા ખેલૈયાઓ સોમવારની રાત્રીએ જોવા મળ્યા હતા તો ઘણી જગ્યાએ ધાર્મિક પરંપરા પ્રમાણે ગરબાના પાંચ રાઉન્ડ પણ મહિલા મંડળે લઇને માતાજીની જય બોલાવી હતી.

આમ તો નવરાત્રીએ માતાજીની આરાધના ભક્તિ કરવાની સાથે સાથે ગરબે રમીને માતાજીને રાજી કરવાનો અવસર તરીકે મનાવવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને ગુજરાત કે જેની રાસ-ગરબા ઓળખ થઇ ગઇ છે તેમાં નવરાત્રીનું ખુબ જ મહત્વ રહેલું છે. સમગ્ર દેશમાં સૌથી મોટા નૃત્યોત્સવથી ઓળખાતા નવરાત્રી મહોત્સવમાં આ વખતે નવના બદલે દસ નોરતા હતા જેના કારણે ખેલૈયાઓની સાથે નવરાત્રી મહોત્સવના આયોજકોએ વિશેષ મહેનત અને આયોજન પણ કર્યું હતું પરંતુ પ્રથમ નોરતે જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ અચાનક વરસાદે એન્ટ્રી મારી હતી. જેના કારણે ખેલૈયાઓમાં દોડધામ મચી ગઇ હતી તો આયોજકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.જો કે બીજા દિવસે વાદળછાવાય વાતાવરણ વચ્ચે પણ નગરમાં નવરાત્રી થઇ હતી. પરંતુ ત્રીજા દિવસે એટલે કે, સોમવારે સમી સાંજ બાદ વરસાદની બુંદાબારી શરુ થઇ ગઇ હતી અને તે અવિરત ચાલુ રહી હતી. પરંતુ ગાંધીનગરની ઉત્સવપ્રિય અને ધાર્મિક પ્રજાએ ચાલુ વરસાદે પણ ગરબા રમવાનું મન બનાવી દીધુ હતું જેના કારણે સાંજથી જ પાર્ટીપ્લોટ અને શેરીગરબામાં આયોજન કરી દેવામાં આવ્યું હતું.

સોમવારે સાંજથી વરસાદી ફોરા વચ્ચે ગરબા રમવાનું મક્કમપણે નક્કી કરીને નગરના પાણીદાર ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડમાં પણ ઉતર્યા હતા અને ચાલુ વરસાદે ગાંધીનગરમાં રાસ જોવા મળ્યા હતા તો અડધા ઇંચ વરસાદમાં પણ હિંચ લેતા ખેલૈયાઓ મોનસુન નવરાત્રી ઉજવતા દેખાતા હતા. તે વચ્ચે શેરીગરબામાં માતાજીની માંડવીની ફરતે પાંચ ગરબા રમવાની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. જેમાં છત્રી લઇને ગરબે ઘુમતા નગરજનો જોવા મળ્યા હતા. એટલુ જ નહીં, બીજા દિવસે એટલે કે, મંગળવારે સવારથી ચાથા નોંરતાની તૈયારીમાં આયોજકો લાગી ગયા હતા અને ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x