ચોકબજારમાં એક જ્વેલેર્સને નિશાન બનાવી તસ્કરો ૪ લાખ ૬૫ હજારના ઘરેણા ચોરી કરી ફરાર
સુરત :
ચોકબજારમાં આવેલા એક જ્વેલેર્સને નિશાન બનાવી તસ્કરો ૪ લાખ ૬૫ હજારના ઘરેણા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જવેલર્સના માલિકે જવેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસતાં તેમાં બે અજાણ્યા ઈસમો ચોરી કરતા નજરે ચઢ્યા હતા. જેમાં જવેલર્સના માલિકની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ના રહ્યો હોય તેમ બિન્દાસપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ચોક બજારમાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઇ ગયી છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતમાં કોઝવે રોડ પર આવેલી સરસ્વતી સોસાયટીમાં રેહતા સુરેશભાઈ હરિભાઈ શિંદે ચોકબજારમાં આવેલા ત્રિલોક સોસાયટીમાં ગણેશ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત રોજ તેઓના જવેલર્સને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં દુકાનનું શટલ વચ્ચેના ભાગેથી તોડી તસ્કરો અંદર પ્રવેશ્ય હતા. અને જવેલર્સ માંથી ત્રણ તોલાનું મંગલસુત્ર, અઢી તોલાનું મંગલસૂત્ર, સવા તોલાની સોનાની એક ચેઈન, ૫ તોલા ની વીંટી, તેમજ ચાર કિલો ચાંદી વગેરે મળી કુલ ૪.૬૫ લાખના ઘરેણા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
રાબેતા મુજબ સવારે જવેલર્સના માલિક પોતાની દુકાને આવ્યા હતા. જેમાં દુકાનનું શટર તૂટેલું દેખાતા તેઓના પગ તળેથી જમીન સરકી ગયી હતી. તેઓએ દુકાનમાં જઈ તપાસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં બે ૨૫ થી ૩૦ વર્ષના બે ઈસમો દુકાનના શટરનું તાળું તોડતા નજરે ચઢ્યા હતા. બનાવ બાદ તેઓએ તાત્કાલિક ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જવેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે તસ્કરોએ કરેલી આ ચોરીથી પોલીસની પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી છે.