ગાંધીનગરમાં કોરોના પોઝિટિવના 7 કેસ આવ્યા સામે, શહેરી વિસ્તારમાં નવા 5 કેસ, વાવોલ, ઉવારસદમાં ખાતું ખુલ્યું.
ગાંધીનગર :
દેશ અને ગુજરાત રાજ્યની સાથે સાથે કોરોના વાઇરસની દહેશત ગાંધીનગર જિલ્લા ઉપર પણ જોવા મળી રહી છે. ત્યારે આજે શનિવારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં 5 કેસ સામે આવ્યા છે, જ્યારે વાવોલ અને ઉવારસદમાં પ્રથમ કેસ નોંધાયો છે. કુલ 7 કેસ એક જ દિવસમાં સામે આવ્યા છે. પોલીસ દ્વારા શહેરમાં નાકા બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પાણી માંથાથી ઉપર નીકળી ગયું હોય તેવું આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યુ છે.
એક સમયે મેયર દ્વારા ગાંધીનગર શહેર વિસ્તાર કોરોનાવાઇરસ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્રની તકેદારીના અભાવના લીધે અમદાવાદથી કોરોના લઈને આવતા લોકોના કારણે હાલ કેસોમાં વધારો થઈ જતા ગાંધીનગરનો રેડ ઝોનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. નાગરિકો જાગૃત રહેવાની જગ્યાએ બેદરકાર બની રહ્યા હોય તેવું આકડા ઉપરથી જોવા મળી રહ્યું છે.
ગાંધીનગરના સેક્ટર 3 ન્યૂ માં રહેતા 40 વર્ષિય પુરુષ, સેક્ટર 24 શ્રીનગર સોસાયટીમાં એક દિવસ પહેલા પોઝિટિવ આવેલા પુરુષના પરિવારમાં તેમના 45 વર્ષીય મહિલા અને 23 વર્ષીય યુવક, સેક્ટર 2B માં 70 વર્ષીય મહિલા અને 31 વર્ષીય યુવક, વાવોલમાં 26 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. જ્યારે ઉવારસદ ગામમાં એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં 45 વર્ષીય પુરુષ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે. આ પુરૂષ દ્વારા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર શહેર કોરોના વાયરસમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં આગળ નીકળી ગયું છે. સમગ્ર ગાંધીનગર જિલ્લાનું આંકડો 60એ પહોંચી ગયો છે. જ્યારે વાવોલ સહિત સેક્ટરમાં પોઝિટિવ આવેલા લોકોએ ગાંધીનગરમાં ટેસ્ટ કરાવ્યો હતો.