સૌરાષ્ટ્રમાં Coronaને રોકવા ‘લોક’ થશે અમદાવાદ સુરત ?
ગાંધીનગર :
લોકડાઉનનાં શરૂઆતનાં તબકકામાં સેઈફ રહેલા સૌરાષ્ટ્રને કોરોના (Corona) સકંજામાં લઈ રહ્યું છે. અનલોકમાં અપાયેલી છૂટછાટો સૌરાષ્ટ્રને ભારે પડી રહી છે. સૌરાષ્ટ્રનો એક પણ તાલુકો હવે કોરોનાની મહામારીથી મુકત રહી શકયો નથી. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ૧૧૦૦ ને પાર કરી ગયા છે. સૌરાષ્ટ્રને કોરોનાનાં અજગર ભરડાથી બચાવવા માટે હવે અમદાવાદ, સુરતને ‘લોક‘ કરવા દરેક જિલ્લામાંથી આગેવાનો દ્રારા સરકારમાં રજુઆતો કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ટ્વિટર અને સોશ્યલ મિડીયામાં મારફત આ માગણીને જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે. અનલોક – ૧ માં આંતર જિલ્લાની અપાયેલી છૂટ સૌરાષ્ટ્રને મોંઘી પડી છે. સૌરાષ્ટ્રનું વડુ મથક રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ શહેર અને જિલ્લાનો કોરોનાનાં કેસનો કુલ આંકડો ર૬૭ સુધી પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં આવતા દર્દીઓ સતત વધી રહયા છે. રાજકોટ શહેરમાં પણ અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા દર્દીઓને કારણે જ વધુને વધુ લોકોને ચેપ લાગ્યો છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસ સતત વધી રહયા છે. અનલોક – ર ની ગાઈડ લાઈન હવે સરકાર જાહેર કરી છે ત્યારે સૌરાષ્ટ્રનાં શહેરોને વુહાન બનતા અટકાવવા રેડ ઝોન એવા અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા લોકો પર થોડા દિવસો માટે રોક લગાવવા માગણી ઉઠી રહી છે.