કોરોનાની મહારામીને પગલે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7-30 થી 12 કલાકનો રાખવાનો શિક્ષણ વિભાગે કર્યો આદેશ.
ગાંધીનગર :
કોરોનાની મહારામીને પગલે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા નહી હોવાથી જુલાઇ માસમાં પણ શાળાનો સમય સવારે 7-30 થી 12 કલાકનો રાખવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. શિક્ષકોએ પોતાના વર્ગના તમામ બાળકોનો સપ્તાહમાં એક અથવા બે વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત નજીકમાં રહેતા બાળકોની વ્યક્તિગત મુલાકાત લઇને યોગ્ય માર્ગદર્શન આપવા પ્રાથમિક શિક્ષણ નિયામકે સુચના આપી છે. કોરોનાની મહામારીને પગલે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નથી. ઉપરાંત બાળકોનું શિક્ષણ બગડે નહી તે માટે હોમલર્નિગ પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઇન શિક્ષણ અપાય છે.
શાળામાં બાળકો આવવાના નહી હોવાથી શાળાનો સમય સવારનો કરવાની શિક્ષકોના સંઘની માંગણીને માન્ય રાખીને જુલાઇ માસમાં શાળાનો સમય સવારે 7-30થી બપોરે 12 કલાકનો રાખવાનો આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.એમ.આઇ.જોષીએ કર્યો છે. જોકે શાળાનો સમય સવારનો રાખવાની સાથે સાથે હોમલર્નિંગ કાર્ય ઉપર વિશેષ ભાર આપતા નિયામકે જરૂરી સુચનાઓ શિક્ષકોને આપી છે. જેમાં તમામ શિક્ષકોએ પોતાના વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓનું સપ્તાહમાં એક યા વધુમાં વધુ બે વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે.
શાળાના આચાર્ય કામગીરી અંતર્ગત જે રીતે શિક્ષકોને શાળામાં બોલાવે તે રીતે આવવાનું રહેશે. આ અંગે વધુમાં નજીકના વિસ્તારમાં રહેતા બાળકોની વ્યક્તિગત મુલાકાત લઇને હોમલર્નિગ અંતર્ગત કોઇ પ્રશ્ન હોય તો તે દુર કરવા જોઈએ. આ ઉપરાંત જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવાની સૂચના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવી હતી.