કલોલ વિદ્યાર્થીઓનું અનોખું કાર્ય: કેન્સર પીડીત સાથી માટે 50 હજારનો ફાળો અેકત્ર કર્યો
કલોલ:
છત્રાલ ખાતેની અંગ્રેજી માધ્યમના ધોરણ-2માં અભ્યાસ કરતા એક બાળકને કેન્સરની બિમારી થવાની જાણ થતાં શાળાના બાળકો દ્વારા તેના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકોએ સારવાર માટે રૂ.50 હજારનો ફાળો એકત્ર કર્યો હતો. બાળકોના આ પ્રેરણાદાયી કાર્યને શાળાએ આવકાર્યુ હતું અને બાળકોને સેવા કાર્યમાં સદાય તત્પર રહેવાની શીખ સાથે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ અંગેની વિગતો એવી છે કે કલોલ પાસે આવેલા છત્રાલની બાળકોની અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા સનપ્રિત નામના 7 વર્ષના બાળકને કેન્સની બિમારી હોવાનો રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો હતો. આ અંગેની જાણ શાળાના બાળકોને થઇ હતી. જેથી બાળકોએ શાળાના સંચાલકનો સંપર્ક કરી તેના આરોગ્યની સુખાકારી માટે સમૂહ પ્રાર્થના કરવા માગે છે. તેવી રજૂઆત કરી હતી. તેનો સંચાલકે સ્વિકાર કર્યો હતો.
બાળકોએ કરી સહઅધ્યાયીનું આરોગ્ય નિરોગી બને તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આર્થિક રીતે મદદરૂપ થવા ફાળો એકત્ર કરવાનો વિચાર કર્યો હતો. તેના કારણે થોડા દિવસમાં જ 50 હજાર જેવી માતબર રકમ એકત્ર થઇ હતી. તેમાં શાળાનો સ્ટાફ, બાળકો અને વાલીઓએ સહયોગ આપ્યો હતો. શાળા સંચાલક પણ વધુ મદદ માટે આગળ આવ્યા છે.