શાળામાં ફી દબાણ મુદ્દે હવે સંચાલક મંડળને ફરિયાદ કરી શકાશે, વાલીઓ માટે હેલ્પલાઇન જાહેર કરાઈ
સુરત :
ખાનગી શાળા ફી મામલે દબાણ કરતી હશે તો સંચાલક મંડળને પણ ફરિયાદ કરી શકાશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આર્થિક સંકટમાં ફસાયેલા વાલીઓને મદદ કરવા માટે હેલ્પલાઇન જાહેર કરી છે. આર્થિક સંકટમાં ફસાયેલા કોઈ પણ વાલી ફરિયાદ કરશે તો મંડળ વાલી અને શાળા સંચાલકને બોલાવી બંનેની રજૂઆત સાંભળ્યા બાદ સમાધાન લાવશે.
કોરોનાના કહેરને પગલે 2 મહિનાના લોકડાઉન અપાયા બાદ અનલોક-1 અને 2માં છૂટછાટ મળતા શાળાઓના શૈક્ષણિક સ્ટાફ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપી રહ્યા છે. પણ શાળા તરફથી ઓનલાઇન એજ્યુકેશન સાથે ફી માંગતા આર્થિક સંકટમાં ફસાયેલા વાલી ફી ભરવામાં તકલીફ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણી વાર તો શાળા અને વાલી વચ્ચે ઘર્ણષ થાય છે અને બાળકનો અભ્યાસ બગડે છે. ઘર્ષણ નહીં થવા સાથે બાળકોનો અભ્યાસ પણ નહીં બગડે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઇ-મેલ આઇડી જાહેર કરી છે. જેની પર વાલી જે તે ખાનગી શાળાની ફરિયાદ કરીને ન્યાય મેળવી શકશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડો. દિપક રાજ્યગુરૂ જણાવે છે કે, વાલી આર્થિક સંકટમાં હોય અને અમારા મંડળની કોઈ શાળા ફી મામલે દબાણ કરતી હોય તો તમે અમને ફરિયાદ કરી શકશો. અમે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ વાલીને ન્યાય મળે તેવી કાર્યવાહી કરીશું. અમને વાલીઓ drguruvibrant@gmail.com પર ફરિયાદ કરી શકશે.