બહુચરાજીમાં ઇતિહાસમાં પ્રથમ વખત આઠમ અને દશેરાની માતાજીની શાહી સવારી નહીં નીકળે
યાત્રાધામ બહુચરાજીમાં આ વખતે માતાજીના ભક્તો તેમજ ખેલૈયાઓ માટે નવરાત્રિ ફિક્કી રહેશે
યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રિ નિમિત્તે 9 દિવસ વિવિધ કાર્યક્રમ વિધિવિધાન મુજબ કરવામાં આવશે, પણ માઇભક્તો ચાચરચોકમાં ગરબા નહિ ઘૂમી શકે. યાત્રાધામ બહુચરાજીમાં ઇતિહાસમાં પ્રથમ વખત આઠમ અને દશેરાની માતાજીની શાહી સવારી પણ નહીં નીકળે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, યાત્રાધામ બહુચરાજીમાં આ વખતે માતાજીના ભક્તો તેમજ ખેલૈયાઓ માટે નવરાત્રિ ફિક્કી રહેશે. માં બહુચરના ચાચર ચોકમાં માં બહુચરના ખોળામાં ગરબા ગાવા એ એક અનોખો આનંદ જોવા મળતો હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
માત્ર માતાજીની ગરબીની જગ્યાએ આરતી જ કરવામાં આવશે. આ વખતની નવરાત્રી મહોત્સવની રૂપરેખા જોઈએ તો 16/10/20 ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. તેમજ 17/10/20 ને શનિવારે સવારે 7:30 કલાકે માતાજીના ગર્ભ ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે. 22/10/20 ગુરુવારે સવારે 10 કલાકે સતચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. 24/10/20ને શનિવાર સાંજે 4:30 કલાકે સતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરાશે. સાથે સાથે તે જ દિવસે માતાજીની પલ્લી રાત્રે 12 કલાકે ભરવામાં આવશે. 25/10/20ના રોજ સવારે 7:45 જવારાનું ઉથાપન કરવામાં આવશે. 25/10/20 રવિવાર સવારે 10:30 કલાકે દશેરા નિમિત્તે ધજા નિશાન ચડાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે આ વખતે દશેરાના રોજ માતાજીની સાહી સવારી અમૂલ્ય નવલખો હાર પહેરીને જે સમી વૃક્ષ પહોંચી શસ્ત્ર પૂજા માટે જતી હતી તે રદ્દ કરાઈ છે. માં બહુચરના ખોળામાં એટલે કે ચાંચરચોકમાં આ વખતે નવરાત્રી ગરબા નહિ યોજવાનું નક્કી થતા ભક્તોમાં નિરશતા જોવા મળી રહી છે. પણ આ વખતે કોરોના મહામારી વચ્ચે નવરાત્રી નહિ યોજવાના નિર્ણયને હવે ખેલૈયાઓએ સ્વીકારી લઈ ઘરમાં આરાધના સાથે ગરબાનું મન બનાવી લીધું છે.