સરકાર દ્વારા અમલી “મા અમૃત્તમ કાર્ડ” ની યોજના બંધ નહી થાય : આરોગ્ય કમિશ્નર
ગાંધીનગર :
રાજયના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય.સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા “મા અમૃતમ કાર્ડ” બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે.
તેમણે ઉમેર્યુ કે, ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી “મા અમૃતમ કાર્ડ” ની યોજનાને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાપડી રહ્યો છે ત્યારે આ યોજના બંધ કરવામા આવનાર છે એવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે એ સમાચારો સત્યથી વેગળા છે એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી અમૃતમ “મા”/“મા વાત્સલ્ય ” યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે.પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે.તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.