ભાજપને મોટો ફટકો, માજી ધારાસભ્યએ પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રકાંત પાટીલને પોતાનું રાજીનામું સોંપ્યું.
ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ખડસેએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રકાંત પાટીલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામામાં ખડસેએ વ્યક્તિગત કારણોસર પાર્ટી છોડ્યાનું જણાવ્યું છે. જ્યારે વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર બરાબરની હૈયાવરાળ ઠાલવી છે. એકનાથ ખડસેએ કહ્યું હતું કે, પાર્ટી છોડવાની મારી કોઈ ઈચ્છા જ નહોતી, પણ એક વ્યક્તિના કારણે પાર્ટી છોડવી પડી રહી છે. આ નેતાની ફરિયાદ મેં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કરી હતી પરંતુ ત્યાં પણ મારી વાત સાંભળવામાં ના આવતા આખરે મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.
ભાજપથી નહીં પણ એક વ્યક્તિથી છે નારાજગી
ખડસેએ કહ્યું હતું કે, મારી નારાજગી દેવેદ્ર ફડણવીસને લઈને છે. માને લોકોનો સાથ છે અને મેં મારૂ રાજીનામું આપ્યું. હું એનસીપી સાથે જોડાઈશ. મેં પાર્ટીને 40 વર્ષ આપ્યા. મારા પર આરોપ લાગ્યા ત્યારે મેં જાતે જ મુખ્યમંત્રી ફડણવીસને કહ્યું હતું કે, મારા પર ખોટા આરોપ લગાડવામાં આવી રહ્યાં છે. ખડસેએ રાજીનામું આપ્યા બાદ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી પાર્ટીમાં બેઈજ્જતિ સહન કરવી પડતી હતી. હું ભાજપથી નારાજ નથી, એક વ્યક્તિથી નારાજ છું. મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની તપાસ પણ થઈ પરંતુ તેમાંથી કંઈ જ નિકળ્યું નહીં. બાકી નેતાઓ પર આરોપ લાગે તો તેમને ક્લિન ચીટ આપવામાં આવે છે મને નહીં. મારા વિરૂદ્ધ તપાસ થઈ પણ તેમાં કઈં જ ના નિકળ્યું.