ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા નું નિધન
આજે ગુજરાતી ફિલ્મોના પ્રશંસકો માટે એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ 77 વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લેતા છેલ્લા 2 દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડી ખંડિત થઈ છે. તમને જણાવીએ કે રવિવારે નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. 1943માં મહેસાણાના કનોડા ગામે નરેશ કનોડિયાનો જન્મ થયો હતો.
તમને જણાવીએ કે, 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.