સોમા ગાંડાએ પૈસા લઈ રાજીનામું આપ્યું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ, વીડિયો વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત પડવાના છે. આજે પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસ પહેલાં કૉંગ્રેસના લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો એક વાયરલ વીડિયો રજૂ કર્યો છે. કૉંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. સ્ટીંગ ઑપરેશનમાં સોમ ગાંડા કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ધારાસભ્યોને પૈસા આપી ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ વીડિયો વિશે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે સોમા ભાઈ પૈસા લઈને રાજીનામું આપવાની વાતનો સ્વીકાર કરે છે. ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે જેમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામા પૈસાના જોરે પડ્યા હોવાનો ઉલ્લેખ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.