સિંગતેલ, કપાસિયા, પામતેલ સહિતના તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
તહેવાર ટાણે તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કપાસિયા, પામતેલ સહિતના તેલના ભાવમાં વધારો થયો છે. બજારમાં ઘરાકી નીકળતા ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2260થી રૂ.2280 થયો છે. કપાસિયા તેલમાં ડબ્બે રૂ.10નો ભાવ વધારો થયો છે.. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1600થી રૂ.1630 થયો છે. જ્યારે પામતેલ રૂ.15ના વધારા સાથે રૂ.1500એ પહોંચ્યું છે.. તહેવાર સમયે ભાવ વધારો આમ આદમીના બજેટને ખોરવી રહ્યો છે..
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા તહેવારો સમયે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા હતા. સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો કરવામાં આવ્યો હતો. 15 કિલો ડબ્બાનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યા હતા, ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી હતી. તેની વચ્ચે આજે સિંગતેલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તેજી આવતા હવે શું ખાવું અને શું નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2240થી ઘટીને 2180થી 2210 થયો હતો. ગૃહિણીઓનું કહેવું હતું કે, તહેવારોમાં તમામ લોકોના ઘરમાં ફરસાણ બનતું હોય છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ 1800થી 2000 સુધી રહે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી હતી. પરંતુ કોરોના કાળમાં તે શક્ય દેખાઈ રહ્યું નથી.