ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મત ગણતરી શરૂ
કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં ૬૦.૭૫ ટકા મતદાન બાદ આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠ બેઠકો મત ગણતરી શરૂ થઇ ગઈ છે. ચૂંટણી પંચના પ્રાથમિક આકલન મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં આઠેય બેઠકોનો ફેંસલો આવી જશે. ચૂંટણી પંચ દ્વારા હાલ 8 મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા. 8 કેન્દ્રો ઉપર 25 ખંડમાં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવી રહી છે. કુલ 320 કર્મચારીઓ મત ગણતરી કરી રહ્યા છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જે લગભગ અડધો કલાક ચાલશે. ત્યારબાદ ઇવીએમની ગણતરી કરાશે અને તે પછી વીવીપેટની સ્લીપોની રેન્ડમ ગણતરી થશે. મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવશે.
રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી આઠ પૈકી પાંચ બેઠકો ઉપર ભાજપે પક્ષ પલટો કરીને આવેલા પાંચ ઉમેદવારોને ઉતાર્યા હતા. આઠેય બેઠકો ઉપર મંગળવારે પક્ષપલ્ટુઓ સહિત ૮૧ ઉમેદવારોના રાજકિય ભવિષ્યનો ફેંસલો ૩,૦૨૪ ઈફસ્ પડેલા મતોની ગણતરી બાદ થઈ જશે. મત ગણતરી સ્થળોને કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખીને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.