ગાંધીનગર શહેર અને જિલ્લામાં 58 કોરોનાના કેસ, 7ના મોત
ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આંશિક રાહત થઇ હોય તેમ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તો સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દિવાળી બાદ આજે પ્રથમ એવો દિવસ છે કે જ્યારે પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૫૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયાં છે. જ્યારે ૫૯ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો ગાંધીનગરમાં સતત ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાત – સાત પોઝિટિવ દર્દીઓના મોત થઇ રહ્યાં છે. જે કોવિડ ડેથમાં ગણવામાં આવતાં નથી.
તા.૧૬ થી ૨૬ નવેમ્બર સુધીના દસ દિવસ દરમિયાન ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ ૧૧૮ દર્દીઓના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદના ત્રણ દિવસમાં સાત-સાત પોઝિટિવ દર્દીઓના મોત નોંધાયાં છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના સાત-સાત પોઝિટિવ દર્દીઓ છેલ્લા ત્રણ દિવસથી મોતને ભેટે છે. જેને લઇને ૧૩ દિવસમાં પોઝિટિવ દર્દીના મોતનો આંકડો ૧૩૯ સુધી પહોંચી ગયો છે. રવિવારે ૨૪ કલાક દરમિયાન મોતને ભેટેલા સાત પોઝિટિવ દર્દીઓ પૈકી સેક્ટર-૨૧ના વૃદ્ધ, પાલજનો ૪૮ વર્ષિય યુવાન, બોરીજની ૫૬ વર્ષિય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે દહેગામ શહેરી વિસ્તારના ૬૮ વર્ષિય વૃદ્ધ તથા દોલારાણાવાસણાના ૬૫ વર્ષિય વૃધ્ધે પણ કોરોના સામે દમ તોડયો છે. કલોલ શહેરી વિસ્તારના ૬૩ વર્ષિય પુરુષ તથા બોરીસણાની ૬૦ વર્ષિય મહિલા પણ કોરોના સામેની જંગ હારી ગઇ છે. દરરોજ ગાંધીનગર શહેર અને જિલ્લાના સાત-સાત પોઝિટિવ દર્દીઓના મોત હોસ્પિટલોમાં થાય છે તેમ છતાં સરકારી ચોપડે કોવિડ ડેથ એક પણ પોઝિટિવ દર્દીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.