ગાંધીનગર

સાબરમતીમાં રેતીના બેફામ ખનનથી સરકારની આવકમાં કરોડોનો ફટકો

ગાંધીનગર :

સાબરમતી નદીમાં આડેધડ રેતીનું ખનન થતું હોવાની વાત કોઈ નવી નથી. 5 વર્ષ પહેલાં કરાઇ પાસેના નર્મદા કેનાલના સાયફનને નુકશાન થવાની અને તેમ થાય તો પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ જવાની તથા સમારકામનો કરોડોનો ખર્ચ આવવાની દહેશત સાથે રેત ખનન બંધ કરાવવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેને પગલે કલેક્ટરે તાત્કાલિકના ધોરણે સંત સરોવરથી વાસણા બેરેજ સુધીના વિસ્તારમાં આવેલી રેતીની 23 લીઝના ખનન કામને સ્થગિત કરવા આદેશ કર્યો હતો.
સાબરમતી નદીમાં ઇન્દ્રોડા પાસે સંત સરોવર ડેમ બાંધવામાં આવ્યા પછી તેનાથી આગળ રેતીની આવક સ્વાભાવિક રીતે બંધ થઇ છે. ત્યારે હાલ પણ આ વિસ્તારોમાં બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે. સાબરમતી નદીના પટમાં નજર નાખો ત્યાં 10થી લઈને 20 ફૂટથી વધુ ઉંડા ખાડા જિલ્લામાં ચાલતી બેફામ રેતી ચોરીની દેન છે. ત્યારે અહીં ચાલતા બેફામ ખનને પગલે આગામી સમયે સંત સરોવર અને ડેમથી કરાઈની વચ્ચે આવતા બ્રીજના બાંધકામને નુકસાનની શક્યતા નકારી શકાતી નથી.
બેફામ રેતી ચોર નદીમાં એટલી હદે ખાડા કરે છે કે અંદર ગયેલું ટ્રેક્ટર બહારથી દેખાતું પણ નથી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં રેતી ચોરીમાં પણ વિસ્તારો પડેલા છે. તાલુકામાં ઈન્દ્રોડા, રનતપુર, અનોડિયા, પેથાપુર, બોરીજ સહીતના વિસ્તારો, માણસામાં અનોડિયા, દહેગામમાં મેશ્વો નદીના પટમાં બેફામ રેતી ચોરી થાય છે. જેમાં વિસ્તાર પ્રમાણે સ્થાનિક આગેવાન કે માથાભારે શખ્સની મીલીભગતથી ચોરી થતી હોય છે.
5 વર્ષ પહેલાં કરાઇ સાયફનને રેતી ખનનથી નુકશાન થયાનું સામે આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાયફનની મુલાકાત લઇ સરવે કરવામાં આવ્યો હતો. સરવેમાં સાયફન આસપાસના વિસ્તારનું નદીનું લેવલ 42 મીટર જણાયું હતું, જે બાંધકામ સમયે 46 મીટર હતું. જે સાયફનના સ્ટ્રક્ચર માટે ગંભીર બાબત હતી. જો આ સ્થિતીનું નિર્માણ થાય તો તેના રીપેરીંગ માટે સાયફનમાંથી પસાર થતો પાણી સપ્લાય અટકાવી દેવો પડે. આ સ્થિતીમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં પહોંચતુ નર્મદાનું પાણી બંધ થતા ગંભીર સંકટ પેદા થાય તેવી સ્થિતીનું નિર્માણ થાય તેમ હતું.
પ્રતિબંધિત વિસ્તારો જ નહીં પરંતુ જિલ્લામાં અપાયેલી 100થી વધુ લીઝો પર પણ તંત્ર દ્વારા તપાસ થાય તે ઈચ્છનિય છે. કારણ કે અનેક લીઝ ધારકો માટે નક્કી કરેલા વિસ્તારની બહાર પણ ખનન કરીને ઓવરલોડેડ ટ્રકો ભરીને લઈ જવાતી હોય છે. સરકારની આવકમાં લાખો રૂપિયાનો ફટકો પડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x