કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઊંચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો
ઓટોમોબાઈલ સેક્ટર આમ તો છેલ્લાં બે વર્ષથી તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે, એમાંય કોરોના આવવાથી આ સેકટરના રિવાઈવલને ભારે ફટકો પડ્યો છે, પરંતુ આ સેક્ટરમાં પેસેન્જર વેહિકલ સેગમેન્ટને કોરોનાથી ફાયદો થઇ રહ્યો છે. કહેવત છે કે ‘જાન હૈ તો જહાન હૈ’. કોરોના આવ્યા બાદ સ્વાસ્થ્યની સેફટીને લઈને લોકો ઘણા જ સજાગ બન્યા છે અને એટલે જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તેમજ ગ્રુપમાં કોમન વેહિકલનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે અને પોતાના જ વાહનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ કારણે આ વર્ષમાં 2-વ્હીલરની સરખામણીએ કારના વેચાણનો ગ્રોથ વધુ થયો છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોની વિચારસરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલાં પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતી હતી તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતાં પરિવારની સલામતીને વધારે મહત્ત્વ આપી રહ્યા છે અને આ જ કારણથી પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં અપેક્ષા કરતાં ઝડપી રિકવરી આવી છે. સ્કૂટર સેગમેન્ટમાં રિવાઇવલ આવતાં હજુ થોડો સમય લાગશે.
પેસેન્જર વેહિકલમાં ગ્રોથરેટ વધુ હોવા અંગે સમજાવતાં એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું હતું કે આવું પહેલીવાર થઇ રહ્યું છે કે સ્કૂટરના વેચાણની સરખામણીએ કારમાં સેલ્સ ગ્રોથ વધુ હોય. કોરોનાને કારણે લોકો પોતાની અને પરિવારની સેફટી અંગે વધુ વિચારતા થયા છે. જે લોકો પહેલાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કંપનીના વાહનમાં ઓફિસ જતા હતા અથવા ટ્રાવેલ કરતા હતા એમાંના ઘણા લોકો હવે સલામતીને ધ્યાનમાં રાખીને કાર ખરીદી રહ્યા છે. આ જ કારણથી ગુજરાત સહિત દેશભરમાં ગાડીઓનો સેલ્સ ગ્રોથ વધુ છે.
વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થઇ છે. જોબ લોસ તેમજ આવકમાં ઘટાડો થવાને કારણે આ વર્ગ તરફથી 2-વ્હીલરની માગ આવતી હોય છે એ નથી આવી. આ સાથે જ બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ બધાને કારણે સ્કૂટર સેગમેન્ટમાં વેચાણને અસર થઈ છે.
આંકડા જોતાં જણાય છે કે ચાલુ વર્ષ દરમિયાન તહેવારોના સમય દરમિયાન જ 2-વ્હીલરના વેચાણમાં ગ્રોથ થયો છે, જયારે બાકીના મહિનાઓમાં તેમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી. બીજી તરફ, કારના વેચાણમાં સેલ્સ ગ્રોથ જળવાઈ રહ્યો છે. ઓટોમોબાઇલ ડીલર્સના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિએ આ ટ્રેન્ડ હજુ 4-5 મહિના જળવાઈ રહેશે. પેસેન્જર વેહિકલ્સમાં જે ગ્રોથ આવ્યો છે એ મુખ્યત્વે એન્ટ્રી લેવલ કાર અથવા તો કોમ્પેક્ટ કારના વધુ વેચાણને કારણે આવ્યો છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે 2-વ્હીલરમાં રિટેલ સેલિંગ હજુ પણ નબળું છે, એની સામે ઉત્પાદકો તરફથી સપ્લાઇ નિયમિત થઇ રહી છે. અમને આશા છે કે આ સમય પણ પસાર થઇ જશે. ઓવરઓલ વાત કરીએ તો આ વર્ષે એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જર વેહિકલલનું વેચાણ 20.57% ઘટ્યું છે, જયારે 2-વ્હીલરમાં 25.08% ઘટાડો થયો છે.
દેશમાં અનલોક થયા પછીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ 2-વ્હીલરની સરખામણીએ પેસેન્જર વેહિકલના વેચાણમાં ગ્રોથ વધારે થયો છે. ફાડાના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાડીઓના વેચાણમાં સરેરાશ 15%નો ગ્રોથ થયો છે. એની સામે 2-વ્હીલરમાં 11% જેવો ગ્રોથ રહ્યો છે.