ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ પર ચંપલ ફેંકનાર ગોપાલ ઈટાલિયા બન્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ
આમ આદમી પાર્ટી (AAP)એ હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોપાલ ઈટાલિયાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આ એ જ ગોપાલ ઈટાલિયા છે, જેઓ ધંધૂકા ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લર્ક તરીકે ચાલુ નોકરીએ હતા, ત્યારે વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંક્યું હતું. એ પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમની સાથેની ચડભડનો ઓડિયો વાઈરલ થતાં પણ ઈટાલિયા ચર્ચામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા જેવા ફાયરબ્રાન્ડ અને ગુજરાતમાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સણસણતા આક્ષેપો કરવા માટે જાણીતા નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરીને AAPએ સાત મ્યુનિ.ની ચૂંટણીમાં એન્ટ્રીનું બ્યૂગલ વગાડી દીધું છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો ત્યારે હાર્દિકનું જબરદસ્ત ફેનફોલોઈંગ હતું. હાર્દિકના એક અવાજ પર હજારો પાટીદાર યુવાનો શેરીઓમાં ઊતરી આવતા હતા. આ રીતે જ ગોપાલ ઈટાલિયાનું પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેનફોલોઈંગ છે. હવે જોવાનું એ રહે છે કે ગોપાલ ઈટાલિયા AAPના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પોતાના ફેનફોલોઈંગને પાર્ટી માટેના સપોર્ટમાં કન્વર્ટ કરી શકે છે કે કેમ. હાલના તબક્કે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવામાં પ્રદેશ કોંગ્રેસ એકમ ઊણું ઊતરી રહ્યું છે. આ જોતાં AAP પાસે સારી તક હોવાનું મનાય છે.
દિલ્હીના મતદારોમાં પોતાના માટે જોરદાર સપોર્ટ અને ક્લીન એડમિનિસ્ટ્રેશનની ઈમેજ બિલ્ટ કરનારા અરવિંદ કેજરીવાલનો જાદુ દિલ્હી બહાર પ્રસરી શક્યો નથી. ગુજરાતનું જ ઉદાહરણ જોઈએ તો પાર્ટી છેલ્લાં પાંચેક વર્ષથી ગુજરાતમાં વ્યવસ્થિત માળખું રચવા સતત પ્રયત્નશીલ છે. આ અગાઉ 2014માં કનુભાઈ કળસરિયા AAPના ગુજરાત એકમમાં જોડાયા હતા અને તેમને પછીથી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવાયા હતા. આમ છતાં ગુજરાતમાં હજી સુધી AAPનું વ્યવસ્થિત માળખું સ્થપાઈ શક્યું નથી.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે અનેક પક્ષો યુવા નેતૃત્વની વાતો કરે છે, પરંતુ મારી આજે અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા બાદ એવુ દેખાય છે કે પક્ષને યુવા નેતૃત્વ પર વિશ્વાસ છે. કોઈને આટલી યુવા વયે કામ અને ભણતરના આધાર પર પક્ષ આટલું મોટું પદ સોંપે એ મારા મતે ગુજરાતની પ્રથમ ઘટના હશે. આ સાથે પક્ષ દ્વારા બે મહત્ત્વના નિર્ણય લેવાયા છે, જેમાં પક્ષે તુલીબેન બેનર્જીને ગુજરાત પ્રદેશ, મીડિયા હેડ અને નિકિતાબેન રાવલને પ્રદેશ પ્રવક્તા તરીકેની નિમણૂક આપી છે, જે દર્શાવે છે કે પક્ષ માત્ર મહિલા સશક્તીકરણ કે મહિલા નેતૃત્વની વાતો નથી કરતો, પણ તે સંદર્ભે કામ પણ કરે છે.
ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે અમે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દિલ્હી મોડેલના આધારે લોકોને જાગ્રત કરીશું. લોકોને દિલ્હીમાં થયેલાં કામો બતાવી આવાં કામ ગુજરાતમાં પણ થઈ શકે છે એવી ખાતરી આપીશું. લોકોને પક્ષ શું કામગીરી કરી શકે છે એ વિશે માહિતગાર કરીશું. આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળ એક પ્રામાણિક, યુવા નેતૃત્વ, ભ્રષ્ટાચારમુક્ત, મહિલા સશક્તીકરણ સહિતના વિચારો સાથે ગ્રાઉન્ડ લેવલે કેવું કામ થઈ શકે એની લોકોને ખાતરી આપીશું.