CM પાસે રહેલો ગૃહવિભાગ જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી
અમદાવાદ :
રાજકોટ મનપાના 25 જેટલા અને રાજકોટ શહેરી વિકાસ સાત મંડળના 10 કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરતા સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (CM Vijay Rupani) દ્વારા જુદા જુદા 11.231.કરોડના કામોનું લોકાર્પણ અને ખાતર્મુહત કરવામાં આવ્યું હતુ. દરમિયાન CM રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
CM રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરો છો, પરંતુ જે રાજ્યમાં તમારી સરકાર છે ત્યાં દારૂબંધી કરો. દારૂ બંધી છે એટલે જ ગુજરાતમાં દારૂ પોલીસ પકડે છે. આપણે આરોપીઓને પકડવા માટે કડકમાં કડક કાયદા બનાવવા કામ કરવામાં આવી રહ્યા છે. દારુબંધી માટે કડક કાર્યવાહી ગુજરાત સરકાર કરી જ રહી છે, અને આગામી દિવસોમાં પણ કરશે. કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં કેમ દારુબંધી નથી થતી? બસ ગુજરાતમાં વાતો કરીને લોકોને ભ્રમિત કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસ પાતીપીળી થઇ ગઇ છે અને કોંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં દારૂબંધીનાં નિવેદન પર કોંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીને આડેહાથ લેતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાસે માહિતીનો અભાવ હોય છે. ગૃહ વિભાગ જે તેમની પાસે છે તેજ ભષ્ટ્રાચારનું એ.પી સેન્ટર છે. ગુજરાતમાં દરરોજ કરોડો રૂપીયાનો દારૂ ઠલવાઇ રહ્યો છે. ભાજપ સરકાર અને સ્વર્ણિમ સંકુલમાં બેઠનારા લોકોની જ મીઠી નજર હેઠળ દારૂ ઠલવાઇ છે તે જવાબદારી પૂર્વક કહું છું.
આ સાથે જ કોંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, નર્મદા જિલ્લાનાં પોલીસ વડાએ પણ પત્ર લખી કહેવું પડ્યું હતું કે, દારૂનાં ખેપિયાઓને પોલીસ પાયલોટિંગ કરી આપી હેરાફેરી કરાવી રહી છે. જ્યારે તાજેતરમાં જ ભાજપથી નારાજ થયેલા સાંસદ મનસુખ વસાવાએ તો ગુજરાતમાં દારૂની પોટલીઓ અને ઠેર-ઠેર દારૂનાં ટેન્કર ઠલવાઇ રહ્યા હોવાનું નિવેદન આપ્યું હોવાનું મનિષ દોશીએ આરોપ લગાવ્યો હતો.