કોંગ્રેસના કોર્પોરેટર પિન્કીબેન પટેલની CMને રજૂઆત : મેયર અને કમિશનર ભ્રષ્ટાચારી
ગાંધીનગર :
શહેરમાં હાલ 2.34 કરોડના ખર્ચે 81 જેટલા પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલું છે. સ્થાયી સમિતીએ અગાઉ 2 વખત મેયરની ગ્રાન્ટમાંથી પિકઅપ સ્ટેન્ડ બનાવવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. ત્યારે મેયરે 27 ઓક્ટોબરના રોજ એક બેઠક બોલાવી 81 પિકઅપ બસ સ્ટેન્ડ બનાવવાના ટેન્ડરને મંજૂર કરી કામગીરી હાથ ધરવા કમિશનરને આદેશ કર્યો હતો. જેને પગલે સ્થાયી સમિતિના સભ્યો આ મુદ્દે કોર્ટ સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારીને પાણીમાં બેસી ગયા હતા. જોકે, હવે આ મુદ્દે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પિન્કીબેન પટેલે વિરોધ નોંધાવીને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
જેમાં તેઓએ દાવો કર્યો છે કે, મેયર અને કમિશનર કોઈ નવો જીપીએમસી એક્ટ વાંચી તેનો અમલ કરે છે. મેયર દ્વારા સ્થાયી સમિતિના 2 જ સભ્યો હોય અને ચેરમેન પણ ન હોવા છતાં બેઠકમાં નિર્ણય લઈને કમિશરને કામ ચાલુ કરવા આદેશ કરાયો હતો. જેને પગલે મેયર અને કમિશરની જોડી વહીવટમાં આવી ત્યારથી નિયમો નેવે મૂકીને ભ્રષ્ટાચાર કરવા જ નિર્ણય લેવાતો હોવાનો આક્ષેપ પિન્કીબેન કર્યો હતો. તેઓએ પીકઅપ સ્ટેન્ડની કામગીરી બંધ કરાવીને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી મેળવ્યા બાદ નવેસરથી ટેન્ડર કરીને કામગીરી શરૂ કરાવવા માંગ કરી છે.
હાલ જે કંઈ પણ કામગીરી થાય છે તેના પૈસા મેયર-કમિશનર પાસેથી વસૂલવા પિન્કીબેન પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નોંધનીય વાત એ છે કે, મેયરે 27 ઓક્ટોબરના રોજ એક બેઠક બોલાવી હતી. અને આ બેઠકમાં તેમને 81 પિકઅપ બસ સ્ટેન્ડ બનાવવાના ટેન્ડરને મંજૂર પણ કર્યો હતો. ઉપરાંત કામગીરી હાથ ધરવા કમિશનરને આદેશ કર્યો હતો.
શહેરમાં હાલ રૂપિયા 2.34 કરોડના ખર્ચે 81 જેટલા પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલુ છે
કામને મંજૂરી આપવાની સત્તા મેયર પાસે ન હોવાનો દાવો
પીકઅપ સ્ટેન્ડની કામગીરી શરૂ કરાવવા માટે કાયદાકીય જોગવાઈ મુજબ જ વિકાસકાર્યો હાથ ધરવા માટે કમિશનરને સૂચના અપાયાનો દાવો મેયરે કર્યો હતો. મેયર વિકાસના કામો હાથ ધરવાના સંબંધમાં પસાર કરેલા ઠરાવ અનુસંધાને લીધેલા પગલાંની પુન:વિચારણા માટે બેઠક બોલાવી શકે અને આવા કામોને અગ્રતા અનુસાર તાત્કાલિક હાથ ધરવા માટે કમિશરને આદેશ કરી શકે છે. પણ કોઈપણ કામને મંજૂરી આપવાની સત્તા મેયર પાસે ન હોવાનો દાવો પિન્કીબેને પટેલે કર્યો છે.
મ્યુ. કમિશનર સામે શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત
પિન્કીબેન પટેલે સમગ્ર મુદ્દે શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સચિવને પણ લેખિત રજૂઆત કરી છે. જેમાં કમિશનર સામે પગલાં લઈને સત્તાના દૂરઉપયોગ કરવા બદલ હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત કરી છે. જેમાં કમિશનરને સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી વગર મેયરેની સૂચનાથી ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપેલ હોવાથી લોકહિતમાં તેમની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ અંગે પગલાં લેવા અંગે જણાવ્યું છે.