ધોરણ-10ના છાત્રોને સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો લાભ આપવા માંગ
કોરોનાની મહામારીમાં ગણિત વિષયનો અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી. આથી ધોરણ-10ના આવેદનપત્રોમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક વિકલ્પ આપવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં સરળતા રહે તેવી માંગણી શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય એસ.કે.પંચોલીએ કરી છે. રાજ્યભરમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દીધી છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરાવવાની કામગીરી આગામી સમયમાં શરૂ કરનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા એનસીઇઆરટી અને સીબીએસઇ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ સ્વિકારેલી છે.
આથી સીબીએસઇએ ધોરણ-10ની પરીક્ષા પદ્ધતિઓમાં ગણિત વિષયના 2 પ્રશ્નપત્રો ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક સ્વિકારીને પરીક્ષામાં અમલ કર્યો છે. આથી સીબીએસઇના વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ આપીને આગળ અભ્યાસ કરી શકે છે. જ્યારે શિક્ષણ બોર્ડે બેઝિક ગણિતના પ્રશ્નપત્રનો અમલ કર્યો નહીં હોવાથી વિદ્યાર્થીઓને લાભ મળતો નથી. આથી વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત શાળાઓ માટે બોર્ડે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક પ્રશ્નપત્રો લેવાના પ્રસ્તાવને બોર્ડની સામાન્ય સભામાં મંજૂર કર્યો છે. આથી આગામી ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક પ્રશ્નપત્રના વિકલ્પનો અમલ કરવાની માંગણી શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના મિડીયા કન્વીનર એસ.કે.પંચોલી સાથે શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત કરી છે.