ગોવા કરતાં પણ ચઢિયાતો બનશે દ્વારકાનો શિવરાજપુર બીચ, આ રહી બ્લ્યૂ પ્રિન્ટ
દ્વારકા :
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્લાના શિવરાજપુરના બ્લૂ ફલેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-2 માં શિવરાજપુર બીચ નું 80 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. કુલ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવી તકો ઉત્પન્ન થશે. સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેક્ટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાત ની ઇકોનોમીને બુસ્ટ મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઈવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટુરિઝમ એવોર્ડ-૨૦૨૦માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્ઠ તીર્થસ્થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે. બ્લૂ ફ્લેગ દુનિયાના સૌથી સ્વચ્છ બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નાહવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે. રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આવેલો છે.