ગાંધીનગરગુજરાત

ઘન કચરા સંચાલન જાગૃતિ માસ અંતર્ગત તારીખ 23મી સુધી “ભીના કચરા સંચાલન જાગૃતિ’ સપ્તાહની ઉજવણી કરાશે.

ગાંધીનગર:
ગાંધીનગર મહાનગર પાલિકાએ ૨૦૨૧ના પ્રથમ માસ જાન્યુઆરીને “ઘન કચરા સંચાલન જાગૃતિ માસ’ તરીકે જાહેર કરીને લોક જાગૃતિ કેળવવા એક જન અભિયાનનું આયોજન કર્યું છે. મહિનાના ચાર સપ્તાહમાં ચાર અલગ વિષય પર માહિતી અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકનો કચરો, સેનિટરી કચરો, ભીનો કચરો અને ઇલેકટ્રોનિક કચરો, આ તમામ કચરાનું સંચાલન કેવી રીતે કરવું તેના પર રસપ્રદ વિગતોની આપ-લે કરવાના અભિયાનમાં ડિજીટલ અને પરંપરાગત માધ્યમોની મદદથી માહિતી, શિક્ષણ, અને પ્રસારની પ્રવૃત્તિ જોર-શોરથી કરાઇ રહી છે. મહામારીના સમયમાં પણ કચરાનું અસરકારક સંચાલન કેવી રીતે કરી શકાય તેના શિક્ષણની કામગીરી પ્રશંસનીય રીતે બજાવાઇ રહી છે. તેના અંતર્ગત તારીખ ૧૮થી ૨૩ દરમિયાન “ભીના કચરા સંચાલન જાગૃતિ’ સપ્તાહ તરીકે ઉજવણી કરાઇ રહી છે. આ સપ્તાહમાં ઘરેલુ ભીના કચરામાંથી ખાતર બનાવવાની રીત શીખવવામાં આવશે.
ઘરમાં પેદા થતા ભીના કચરાના સંચાલનનું મહત્વ સમજવું અને સમજાવવું ખુબ જરૂરી છે. ભીના કચરામાં મુખ્યત્વે રસોડામાં ઉત્પન્ન થતો બાયોડીગ્રેડેબલ (વિઘટનક્ષમ) કચરો જેવો કે ફળો/શાકભાજીની છાલ, ચા પત્તી, કોફીનો ભૂકો, ઈંડાની કાચલી, વધેલો ખાદ્ય પદાર્થ, પાંદડા અને ફૂલોનો સમાવેશ થાય છે. ચાર સભ્યોનો એક પરિવાર દરરોજ આશરે ૨ કિલો કચરો પેદા કરે છે, જેમાંથી ૫૦% ભીનો કચરો હોય છે. તેવી રીતે શહેરમાં દરરોજ આશરે ૪૩ ટન ભીનો કચરો ઉત્પન્ન થાય છે, જે વાર્ષિક ઓલિમ્પિક કદના ૧૩ સ્નાનાગર જેટલો થવા જાય છે. યોગ્ય નિકાલ ન થાય તો આ ભીનો કચરો જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે. ત્યારે જો ભીના કચરામાંથી ઘરેલુ ખાતર બનાવાય તો ભીના કચરાના ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય અને તેનો ઉપયોગ પોતાના બગીચામાં શાક-ભાજી અને ફળો ઉગાડવામાં કરી શકાય છે.
વર્તમાન સપ્તાહમાં મહાનગર પાલિકા મુખ્યત્વે ભીના કચરા વિષે માહિતી અને જાગૃતિ ફેલાવવા કટિબદ્ધ છે. વિશેષતઃ ભીના કચરાનું ઉત્પાદન અને તેનું બંધારણ, યોગ્ય સંચાલન ના થાય તો ભીના કચરાની પર્યાવરણ પર થતી અસરો, તંત્ર દ્વારા કચરા સંચાલનની વર્તમાન વ્યૂહરચના, અને ભીના કચરાના સંચાલનમાં નાગરિકો વ્યક્તિગત/સમુદાય સ્તરે શું કરી શકે વગેરે વિષયો પર ભાર આપવામાં આવી રહ્યો છે. નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના આશયથી મહાનગર પાલિકા ફેસબૂક, ટ્વિટ્ટર, ઇન્સ્ટાગ્રામ જેવા પ્રચલિત સોશ્યિલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. મહાનગર પાલિકા એક વેબિનારનું પણ આયોજન કરી રહી છે જેનું પ્રસારણ ૨૧મી જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે ૧૧થી બપોરે ૧૨ વાગ્યા સુધી કરવામાં આવશે. વેબિનારનો મુખ્ય વિષય છે, ભીના કચરાનું સંચાલન અને ઘરેલુ ખાતર બનાવવાની રીત.
સમગ્ર સપ્તાહ દરમિયાન દરરોજ ૨ વોર્ડમાં સમુદાય સ્તરે વિવિધ પ્રવૃતિઓનું આયોજન થઇ રહ્યંચ છે. આ પ્રવૃતિઓના લીધે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય છે અને રહેણાક તથા કોમર્શિયલ વિસ્તારના લોકો પણ આ પ્રવૃતિઓમાં ભાગ લઇ શકે છે. મહાનગર પાલિકા નાના પાયે વર્કશોપનું પણ આયોજન કરવા ઇચ્છુક છે જેનો ધ્યેય નાગરિકોને ઘરેલુ ખાતર બનાવવા માટેની પદ્ધતિનું નિદર્શન કરવાનો છે. આ સાથે ખાતર બનાવવાના સાધનોના વિતરકોને પણ આ અભિયાનમાં સામેલ કરવાનું આયોજન છે. આ વર્કશોપના લીધે સ્થાનિક વેપારીઓ અને છોડ ઉછર કેન્દ્રોને પણ ફાયદો થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x